રાજકોટ : 17 વર્ષનો સગીર 13 વર્ષની સગીરા સાથે પરણ્યો, સંતાન જન્મયું, બીજી વખત ગર્ભવતી બની’ને ફૂટ્યો ભાંડો !
- સગીરોના `કારનામા’માં થઈ રહેલો ચિંતાજનક ઉછાળો સમાજ માટે લાલબત્તી સમાન
- ૨૦૨૩માં પરિચયમાં આવ્યા બાદ ઉપલેટા ભાગી ગયા, ત્યાં લગ્ન કરીને રાજકોટ રહેવા આવી ગયા: સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતાં એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાઈ’તી
- લગ્નના બીજા જ વર્ષે થયો હતો સંતાનનો જન્મ: પૉક્સો હેઠળ ગુનો દાખલ કરતી પોલીસ
રાજકોટમાં ૧૭ વર્ષ છ મહિનાની ઉંમરે સગીરે ૧૪ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં વધુ એક બનાવ પ્રકાશમાં આવતાં સનસનાટી મચી જવા પામી છે. આ ઘટના દુષ્કર્મની નહીં બલ્કે અત્યંત નાની વયે લગ્ન કરી લીધાં બાદ એક બાદ બીજા સંતાનના જન્મ સાથે જોડાયેલી છે. જો કે જે પ્રમાણે સગીરો દ્વારા એક બાદ એક કારનામાં કરવામાં આવી રહ્યા છે તે ખરેખર સમાજ માટે ચિંતાજનક હોવાનું લાગ્યા વગર રહેતું નથી.

આ બનાવ અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે ગોંડલના ભુણાવા ગામે ૨૦૨૩માં ૧૭ વર્ષનો સગીર અને ૧૩ વર્ષની સગીરા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ પછી બન્ને ઉપલેટા ભાગી ગયા હતા અને ત્યાં લગ્ન કરી લીધા હતા. ત્યાં સગીરાને ગર્ભ રહી જતાં બન્ને રાજકોટ આવીને બેડી ચોકડી પાસે રહેવા લાગ્યા હતા. જે સંતાને જન્મ લીધો તેણે ૨૦૨૪માં લીધો હતો. આ પછી ફરી બન્ને વચ્ચે શારીરિક સંબંધ બંધાવાને કારણે સગીરાને બીજી વખત ગર્ભ રહી ગયો હોવાને કારણે પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સઘળી તપાસ કર્યા બાદ ડૉક્ટરો દ્વારા સગીરા ગર્ભવતી હોવાનું નિદાન થયું હતું પરંતુ બન્ને સગીર હોવાને કારણે હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી.
ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા ઝીરો નંબરની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવતાં ગોંડલ પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.