રાજકોટ : 1 મહિનામાં રાંદરડા તળાવ પાસે 24000 કિલો ચુંદડી-કદડો-મૂર્તિ ઠલવાઈ ગયા !!
- ૧૫૦ લોકોએ ત્રણ કલાકની અંદર તળાવ તેમજ આસપાસના વિસ્તારને કર્યો ચોખ્ખોચણાંક
- મેયર સહિતનાએ પણ માર્યો સાવરણો: લોકો `સિવિક સેન્સ’ દાખવી અહીં કચરો ન નાખે તેવી અપીલ
રાજકોટ મહાપાલિકા તેમજ નિરંકારી મિશન દ્વારા શહેરમાં આવેલા રાંદરડા તળાવ તેમજ તેની આસપાસના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ત્રણ કલાક સુધી ચાલેલી સફાઈ દરમિયાન અધધ ૨૪૦૦૦ કિલો ચુંદડી, કદડો, મૂર્તિ સહિતનો જથ્થો ઠલવાઈ ગયો હોય તેને સાફ કરવામાં ૧૫૦ લોકોના પગે પાણી ઉતરી ગયા હતા !
`સ્વચ્છ જલ સ્વચ્છ મન’ કાર્યક્રમ અંતર્ગત રવિવારે સવારે ૭થી ૧૦ વાગ્યા દરમિયાન ૧૫૦ લોકોની ટીમે અહીં સફાઈ કરી હતી. આ સફાઈકાર્ય અંતર્ગત મેયર નયનાબેન પેઢડિયા, પર્યાવરણ ઈજનેર પી.સી.સોલંકી સહિતના પણ જોડાયા હતા. આ ઝુંબેશમાં જેસીબી, ડમ્પર, ટે્રક્ટર તેમજ મીની ટીપર દ્વારા ૨૪ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અંદાજે એકથી દોઢ મહિના પહેલાં જ રાંદરડા તળાવ તેમજ આસપાસના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી પરંતુ બહુ ટૂંકા ગાળાની અંદર જ અહીં ચુંદડી, મૂર્તિ સહિતનો જથ્થો લોકો દ્વારા ઠાલવવામાં આવતાં ફરી એ જ સ્થિતિ નિર્માણ પામી હોય હવે લોકો જ સિવિક સેન્સ દાખવીને અહીં કચરો ન ઠાલવે તેવી અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.