દેશના રેલવે સ્ટેશનો બનશે નયનરમ્ય અને આધુનિક…જુઓ PM મોદીએ કેટલા કરોડની આપી ભેટ..
વડાપ્રધાને રૂ.41 હજાર કરોડની ભેટ આપી: અનેક રેલ પરિયોજનાના શિલાન્યાસ અને ઉદ્દઘાટન કર્યા: 554 રેલવે સ્ટેશનનો કાયાકલ્પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના રેલવેના સંપૂર્ણ કાયાકલ્પ અને આધુનિકીકરણ માટેનું મહત્વનું પગલું લીધું હતું અને રૂ.41 હજાર કરોડથી વધુની 2 હજાર જેટલી રેલ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. કેટલીક યોજનાઓનું ઉદ્દઘાટન પણ કર્યું હતું.
વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાને આ કાર્યવાહી કરી હતી અને પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 553 રેલવે સ્ટેશનોના નવીનીકરણના શિલાન્યાસ પણ કર્યા હતા. દેશના 27 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવેલા આ રેલવે સ્ટેશનોના વિકાસ પાછળ રૂ.19 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.
વડાપ્રધાન કાર્યાલય તરફથી એવી માહિતી આપવામાં આવી હતી કે, આ રેલવે સ્ટેશનો શહેરના કેન્દ્રના રૂપમાં કામ કરશે અને સ્ટેશનો પર સુંદર દ્રશ્યો ઊભા કરવામાં આવશે. તેમજ ઇન્ટર મોડલ કનેક્ટિવિટી, બાળકોના રમત-ગમતની સુવિધા, ફૂડ કોર્ટ અને કિયોસક સહિતની સુવિધાઓ આપવામાં આવશે. પર્યાવરણ અને દિવ્યાંગોને અનુકૂળ બનાવવામાં આવશે અને એ પ્રમાણેની સુવિધા ઊભી કરવામાં આવશે.
આ ઉપરાંત વડાપ્રધાને 24 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલા 1500 રોડ ઓવર બ્રિજ અને અન્ડર પાસના શિલાન્યાસ પણ કર્યા હતા અને કેટલાક રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ માટે રૂ.21520 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બધી યોજનાઓથી રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી થશે અને બીજી ઘણી આધુનિક સુવિધાઓ મળશે.
