શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ વેંચતા તત્વો ઉપર દરોડા પાડો : રાજકોટ કલેકટરે આપી સૂચના
રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલા મેડિકલ સ્ટોરમાં ખુલ્લેઆમ પ્રિસ્ક્રિપ્શન વગર નશીલા સીરપનું વેચાણ થતું હોવાની ગંભીર નોંધ લઈ જિલ્લા ક્લેક્ટર પ્રભવ જોશીએ આવા તત્વો સામે પગલાં ભરવાની સાથે જ શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ વેંચતા તત્વો ઉપર દરોડા પાડવા પણ નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં સૂચના આપી હતી.
જિલ્લા ક્લેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલ નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં ડ્રગ્સ, નશીલી દવાઓ તેમજ શાળા આસપાસ તમાકુનું વેચાણકર્તા વેપારીઓ પર સખ્ત હાથે કામગીરી કરવા સૂચના આપી જણાવ્યું હતું કે, શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ કે ડ્રગ્સનું વેચાણ ન જ થવું જોઈએ. તેમણે આવા વિતરકો પર દરોડા વધારવા સૂચના આપી હતી. ડ્રગ્સના દૂષણને સમાજમાંથી નાબૂદ કરવા સરકાર પણ ખાસ ભાર મુકી રહી છે, ત્યારે લોકોમાં તેમજ યુવાનોમાં વધુ જાગૃતિ લાવવા માટે નશાબંધી ખાતાને જનજાગૃતિ ઝુંબેશનું પ્રમાણ વધારવા તેમણે જણાવ્યું હતું.સાથે જ નશાના દુષણનો શિકાર બન્યા હોય તેઓ માટે વ્યસનમુક્તિકેન્દ્રનો ખાસ પ્રચાર પ્રસાર કરવા પણ સૂચના આપી હતી.
આ ઉપરાંત જિલ્લા કલેક્ટર જોશીએ રાજકોટ જિલ્લામાં અવાવરુ જગ્યાઓ તેમજ ડેમો આસપાસની ખાલી જગ્યામાં છુપાઈને થતું ગાંજા તેમજ અફીણનું વાવેતર શોધી કાઢવા માટે તેમજ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતા નશીલા સીરપના વેચાણ પર સઘન નિરીક્ષણ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી. બેઠકમાં ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદ, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નિવાસી અધિક કલેક્ટર એ.કે. ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈન, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, આર.આર. ખાંભરા, રાહુલ ગમારા, નાગાજણ તરખાલા, પ્રિયંક ગલચર, એસઓજીના અધિકારીઓ, ફૂડ એન્ડ ડ્રગ સહિતના વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
