રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા બેઠક પરથી નોંધાવી ઉમેદવારી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે, ભાજપે રાયબરેલી લોકસભા સીટ પરથી દિનેશ પ્રતાપ સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. દિનેશ પ્રતાપે પણ શુક્રવારે ઉમેદવારી નોંધાવી છે.
રાયબરેલી લોકસભા બેઠક ગાંધી પરિવારની પરંપરાગત બેઠક
રાયબરેલી લોકસભા બેઠક ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી છે. ફિરોઝ ગાંધીએ સૌપ્રથમ 1952માં (અને પછી 1958માં પણ) ચૂંટણી લડી અને જીતી. ફિરોઝ ગાંધીના અવસાન બાદ ઈન્દિરા ગાંધીએ 1967માં અહીંથી પોતાની રાજકીય ઈનિંગ્સ શરૂ કરી હતી. 2004માં ઈન્દિરા ગાંધીના પુત્રવધૂ સોનિયા ગાંધી ચૂંટણી લડ્યા હતા અને પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. હવે સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધી આ વારસો સંભાળવા જઈ રહ્યા છે. 1998માં જ્યારે અશોક સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા ત્યારે ભાજપે છેલ્લી વખત અહીં જીત મેળવી હતી.
ભાજપના સ્થાનિક નેતા અશોક સિંહે 1996 અને 1998માં સતત બે ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. 1999માં ગાંધી પરિવારના સહયોગી સતીશ શર્મા કોંગ્રેસને અહીં લાવ્યા હતા. 2004માં સોનિયા ગાંધીએ આ બેઠક પરથી કોંગ્રેસની કમાન સંભાળી હતી અને ત્યારથી 2019 સુધી અહીંથી જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. જોકે, આ વખતે તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો અને રાજ્યસભાનો રસ્તો પસંદ કર્યો. હવે પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલીથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.