‘પુષ્પા 2’ના હીરો અલ્લુ અર્જુનને મળી મોટી રાહત : સંધ્યા થિયેટર કેસ મામલે તેલંગાણા હાઇકોર્ટે જામીન કર્યા મંજુર
સાઉથ એક્ટર અલ્લુ અર્જુનને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. શુક્રવારે બપોરે ફિલ્મ પુષ્પા-2 (ધ રૂલ)ના પ્રીમિયર વખતે થયેલી નાસભાગમાં એક મહિલાના મોતના સંબંધમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી અદાલતે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. અભિનેતાએ આ નિર્ણયને તેલંગાણા હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન 4 અઠવાડિયા માટે આપવામાં આવ્યા છે.
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પર 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં તેની ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયરમાં જાણ કર્યા વિના પહોંચવાનો આરોપ છે. તેને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઓટોગ્રાફ લેવાના પ્રયાસમાં નાસભાગ મચી ગઈ હતી. એકબીજા પર પડતાં અનેક લોકો ઘાયલ થયા હતા. જ્યારે એક મહિલાનું દટાઈ જવાથી મોત થયું હતું. આ ઘટના બાદ સંધ્યા થિયેટરના સંચાલક, અભિનેતા અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
અલ્લુ અર્જુને હાઈકોર્ટમાં પોતાની અરજીમાં કહ્યું હતું કે તે સંધ્યા થિયેટરમાં નાસભાગ માટે કોઈપણ રીતે જવાબદાર નથી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સંધ્યા થિયેટરે પોલીસને અભિનેતાના આગમન વિશે બે દિવસ અગાઉ જાણ કરી હતી. થિયેટર મેનેજમેન્ટ દ્વારા વધારાની સુરક્ષા પણ માંગવામાં આવી હતી, પરંતુ પોલીસે સુરક્ષા આપી ન હતી.
અલ્લુ અર્જુનના વકીલે શાહરુખ ખાન વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટનો કેસ ટાંક્યો
અલ્લુ અર્જુનના વકીલે તેમનો બચાવ કર્યો હતો. એક્ટરના બચાવમાં વકીલે કહ્યું, અલ્લુ અર્જુનની આજે ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. હું વચગાળાના જામીનની માગ કરી રહ્યો છું. અગાઉના કેસોમાં પણ ધરપકડ બાદ હાઈકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા.
તેલંગાણા હાઈકોર્ટમાં એક્ટર અલ્લુ અર્જુન સામે દોષિત હત્યાના આરોપ (સેક્શન 304) સંબંધિત કેસમાં તેના વકીલ કોર્ટ સમક્ષ તેમની દલીલો રજૂ કરી રહ્યા છે. વકીલે કહ્યું, પોલીસના નિર્દેશોમાં એવું કંઈ નહોતું કે એક્ટરના આગમનથી કોઈનું પણ મૃત્યુ થઈ શકે. એ સામાન્ય છે કે કલાકારો તેમની ફિલ્મોના પ્રથમ શોમાં હાજરી આપે છે. વકીલે શાહરુખ ખાન વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કેસ ટાંક્યા. શાહરુખની ફિલ્મ ‘રઈસ’ના પ્રમોશન દરમિયાન નાસભાગને કારણે મૃત્યુ થયું ત્યારે તેની સામે દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. અદાલતોએ શોધી કાઢ્યું છે કે આવા કેસોમાં આરોપો ત્યારે જ ટકી રહે છે જો મૃત્યુનો સીધો સંબંધ એક્ટરની બેદરકારી અને ખોટી ક્રિયાઓ સાથે હોય.