પંજાબ: ફિરોઝપુર-ફાઝિલ્કા હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રક-પિકઅપ વાન વચ્ચે ટક્કર થતાં 9 લોકોના મોત-15 લોકો ઘાયલ
પંજાબના ફિરોઝપુરમાં એક ભયાનક અકસ્માત થયો છે. ફિરોઝપુર-ફાઝિલ્કા હાઇવે પર ગોલુખા મોડ નજીક એક પિકઅપ ટ્રક અને પિકઅપ વાન વચ્ચે સામસામે ટક્કરમાં લગભગ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત લગભગ 7:45 વાગ્યે થયો હતો. ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગુરુહરસહાઈ સબડિવિઝનના ગોલુ કા મોડ ગામ પાસે થયો હતો. અહીં એક પિકઅપ વાન સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ ગઈ. આ ટક્કર એટલી ગંભીર હતી કે 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટનાની માહિતી મળતા જ સદર પોલીસ અને રોડ સેફ્ટી ફોર્સ (SSF) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને તાત્કાલિક ગુરુ હર સહાય, જલાલાબાદ અને ફિરોઝપુરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક ગંભીર ઘાયલોને ફરીદકોટની ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના મૃતદેહોને જલાલાબાદની સિવિલ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારોને જાણ કરવામાં આવી રહી છે. ગુરુહરસહાયના ડીએસપી સતનામ સિંહે જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ.
ડી.એસ.પી. સતનામ સિંહે જણાવ્યું કે અકસ્માતની જાણ થતાં જ 10 મિનિટમાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અત્યાર સુધી મૃતકો અને ઇજાગ્રસ્તોની ઓળખ થઇ શકી નથી. ઇજાગ્રસ્તોને સારવાર માટે તેમને એમ્બુલન્સ દ્વારા ફીરોજપુર, ફરીદકોટ, જલાલાબાદ અને ગુરૂહરસહાય મોકલવામાં આવ્યા છે. અકસ્માત ધુમ્મસના લીધે અથવા અન્ય કારણોથી સર્જાયો હતો તે અંગે તપાસ ચલુ છે. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા કેસની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.