લોકસભાની ચૂંટણી માટે વિજય રૂપાણીને પંજાબ-ચંડીગઢની જવાબદારી
ભાજપે આગામી 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 23 ચૂંટણી પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ પંજાબમાં સહપ્રભારી તરીકે નરેન્દ્રસિંહ સહ-પ્રભારી રહેશે. જ્યારે સુરતનાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ તેમજ દમણનાં પ્રભારી નિયુક્ત કરવામા આવ્યા છે. ગુજરાતનાં બે નેતાઓને લોકસભાની ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તરફથી આ નિમણૂંકો કરવામાં આવી છે. આ નિમણુકમાં ઘણા નામો પહેલા જેવા જ છે. ખાસ વાત એ છે કે યાદીમાં ભાજપે પશ્ચિમ બંગાળ પર સૌથી વધુ ધ્યાન આપ્યું છે. પાર્ટીએ રાજ્યમાં ત્રણ નેતાઓને જવાબદારી સોંપી છે. આના પરથી સમજી શકાય છે કે પાર્ટી બંગાળને કેટલી ગંભીરતાથી લઈ રહી છે.