પુના કાર અકસ્માતઃ મૃતકોના પરિવારનો પોલીસ ઉપર આરોપ
અકસ્માત સર્જનાર સગીરના બિલ્ડર પિતાની ધરપકડ : ભારે આક્રોશ
પુણેમાં બે યુવા સોફ્ટવેર એન્જિનિયરોના જીવ લેનાર બહુચર્ચિત પોર્શ કાર એક્સિડેન્ટ કેસમાં પોલીસે સગીરના પિતાની ધરપકડ કરી છે. રવિવારે અડધી રાત્રે સગીરના પિતાની લક્ઝરી પોર્શ કારે બે લોકોને કચડ્યા હતા. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે 15 કલાકની અંદર આરોપી સગીરને જામીન આપી દીધા હતા, પરંતુ સોશિયલ મિડિયાથી માંડીને મિડિયા સુધી આ કેસમાં વિવાદ વધી રહ્યો છે. પુણે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હવે સગીરના બિલ્ડર પિતાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે અને એની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવી ચૂકેલા બે યુવાઓના પરિવાર ઉપર આભા ફાટી પડ્યું છે. કોઈકની એકમાત્ર પુત્રી તો કોઈનો પુત્ર ચાલી ગયો છે. આ બંને પરિવારોનાં ઘરે શોક વ્યાપી ગયો છે અને પરિવાર ગુસ્સામાં પણ છે. જબલપુરમાં શક્તિનગરથી નજીક સાકાર હિલ્સમાં યુવા સોફ્ટવેર એન્જિનિયર અશ્વિની કોસ્ટાના ઘરે માતમ પ્રસર્યો છે. તેનો મૃતદેહ જબલપુર પહોંચ્યો, ત્યારે સંબંધીઓ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા.
સુરેશ કોસ્ટે આક્રંદ કરતાં કહ્યું હતું કે અમારા બધાં સપનાં ચકનાચૂર થઈ ગયાં છે. તે પાર્ટી માટે બહાર જઈ રહી હતી, ત્યારે તેના મિત્રને અકસ્માતના સમાચાર આવ્યા કે એક સગીર નબીરો ગાડી ચલાવી રહ્યો હતો અને નશામાં સ્પીડમાં અકસ્માત થયો હતો. આ જ ઘટનામાં જીવ ગુમાવનાર અનીશના કાકાએ જણાવ્યું હતું કે આ કેસ વાસ્તવમાં 304 Aનો છે. મહારાષ્ટ્ર પોલીસ વેચાઈ ચૂકી છે. 304 હેઠળ આરોપીઓ પર કાર્યવાહી થવી જોઈએ.
જામીન ઓર્ડરને પોલીસ પડકારશે
પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું કે આ ભયંકર ગુનો હોવાથી અમે આરોપીને પુખ્ત વયના તરીકે ગણવા માટે અદાલતને વિનંતી કરી તેની પોલીસ કસ્ટડી માગી હતી. આ સગીરને જમીન ઉપર છોડી મૂકવાના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવશે. પોલીસ કમિશનરે કહ્યું કે આરોપીએ બેફામ દારૂ પીધો હતો. તેને ગાડી આપનાર તેના પિતા પણ ગુનેગાર છે. પોલીસ બધા સામે સજડ પુરાવા સાથે કાર્યવાહી કરશે તેવી તેમણે ખાતરી આપી હતી.
