વાયનાડમાં પ્રિયંકા ગાંધીનો ભવ્ય વિજય : રાહુલ ગાંધીનો રેકોર્ડ તોડ્યો,સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યા
કેરળની વાયનાડ બેઠક પર યોજાયેલી લોકસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનો 6 લાખ મતથી ભવ્ય વિજય થયો હતો. રાહુલ ગાંધીએ આ બેઠક પરથી રાજીનામું આપતા પેટા ચૂંટણી આવી પડી હતી. તેમણે ખાલી કરેલી બેઠક પર કોંગ્રેસે તેમના બહેન પ્રિયંકા ગાંધીને ટિકિટ આપી હતી. નોંધનીય છે કે પ્રિયંકા ગાંધી પ્રથમ વખત ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધી કરતાં પણ વધારે સરસાઈ થી વિજય મેળવ્યો છે.રાહુલ ગાંધી 364422 મતની સરસાઇથી વિજયી થયા હતા.
વાયનાડના આ પ્રતિષ્ઠાભર્યા જંગમાં તેમનો મુકાબલો સીપીઆઈના પીઢ નેતા સાથ્યન મોકેરી અને ભાજપના મહિલા મોરચાના નેતા અને બે વખતના કાઉન્સિલર નાવ્યા હરિદાસ સામે હતો.ભાજપના ઉમેદવાર ત્રીજા ક્રમ રહ્યા હતા.
ધારાસભાની પેટા ચૂંટણીમાં પરિણામોનું પુનરાવર્તન
કેરળમાં વિધાનસભાની બે બેઠકો માટે પણ પેટા ચૂંટણી યોજાઈ હતી.ચેલ્લાકરરા બેઠક પ્રર કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ રમ્યા હરિદાસ, સિપીએમ તરફથી ભૂતપૂર્વ ધારાસભ્ય યુ આર પ્રદીપ અને ભાજપ તરફથી બાલવકૃષ્ણન મેદાનમાં હતા. કોંગ્રેસે એ બેઠક જાળવી રાખી છે.અત્રે એ યાદ કરવું જરૂરી છે કે કેરળની આ બેઠક પર 2021માં ભાજપે મેટ્રો મેન તરીકે જાણીતા ઇ.શ્રીધરન ને ટિકિટ આપી હતી અને તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર શફી પરાંબી 3895 મતની પાંખી સરસાઈથી વિજયી થયા હતા.શફી સાંસદ તરીકે ચુંટાયા બાદ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
ગાંધી પરિવારમાંથી જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, ફિરોઝ ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, વરુણ ગાંધી અને રાહુલ ગાંધી રાજકારણમાં આવી ચૂક્યા છે. હવે પ્રિયંકા ગાંધી પોતાના રાજકારણની શરૂઆત દેશના દક્ષિણ ભાગથી કરશે.
નોંધનીય છે કે આ જ બેઠક પરથી તેમના ભાઈ રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં 3,64,422 મતોથી વિજયી થયા હતા. જયારે પ્રિયંકા ગાંધીએ 4,08,036 મતોથી લીડ મેળવી છે.