રાયબરેલીમાંથી પ્રિયંકા ગાંધી લડશે? બ્રિજ ભૂષણને ભાજપ પડતા મૂકશે?..વાંચો
અનેક પ્રતિષ્ઠા ભરી બેઠકો પર ઉમેદવારોના નામ બાકી
લોકસભાની ચૂંટણી માટે મતદાનનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે પણ દેશના અનેક રાજ્યોની પ્રતિષ્ઠાભરી બેઠકો માટે રાજકીય પક્ષો હજુ સુધી ઉમેદવારોના નામની ઘોષણા નથી કરી શક્યા.
ઉત્તર પ્રદેશમાં રાયબરેલી અને અમેઠીને કોંગ્રેસના છેલ્લા ગઢ માનવામાં આવે છે. અમેઠીમાં ગત ચૂંટણીમાં રાહુલ ગાંધીનો પરાજય થયો તે પછી પણ એ બેઠક ઉપર કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે. ભાજપે તો સ્મૃતિ ઈરાનીને રીપીટ કર્યા પરંતુ રાહુલ ગાંધી અમેઠીમાંથી પણ લડશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે. એ બેઠક માટે કોંગ્રેસે હજુ સુધી નામ જાહેર નથી કર્યું.
એ જ રીતે સોનિયા ગાંધી રાજ્યસભામાંથી ચૂંટાયા બાદ કોંગ્રેસની પરંપરાગત રાયબરેલી બેઠક ઉપર હજુ સુધી કોંગ્રેસ કે ભાજપ બેમાંથી એક પણ પક્ષે ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું. એ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી ઝંપલાવે તેવી ચર્ચા છે.બે બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારનું નામ નક્કી થયા બાદ ભાજપ પોતાના ઉમેદવાર નક્કી કરશે તેવું માનવામાં આવે છે.
ઉત્તર પ્રદેશના જ કેસરગંજની બેઠક ઉપરથી ગત ચૂંટણીમાં કુસ્તી સંગઠનના પ્રમુખ બ્રીજભૂષણ શરણ સિંહ ચૂંટાયા હતા પરંતુ મહિલા પહેલવાનો સાથે જાતીય દુર્વ્યવહાર કરવાના તેમની સામે આક્ષેપો થયા બાદ ભાજપે હજુ સુધી એ બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.
અલ્હાબાદ ની બેઠક ઉપર કોંગ્રેસ છોડી ભાજપમાં પડેલા રીટા બહુગુણા જોશીનો ગત ચૂંટણીમાં વિજય થયો હતો. ભાજપે એ બેઠક ઉપર પણ હજુ સુધી ઉમેદવાર નક્કી નથી કર્યા. રીટા બહુગુણા જોશીનું પત્તું કપાઈ જશે તેવું માનવામાં આવે છે. પંડિત જવાહરલાલ નેહરુ અને રામ મનોહર લોયા જેવા દિગજજો જ્યાંથી ચૂંટાયા હતા એ ફુલપૂરની બેઠક માટે પણ હજુ સુધી એક પણ રાજકીય પક્ષે ઉમેદવારના નામની ઘોષણા નથી કરી.
અનેક રાજ્યોમાં સસ્પેન્સ
મહારાષ્ટ્રમાં નાસિક ની બેઠક ઉપર 2019 માં શિવસેનાના હેમંત ગોડસે વિજય થયા હતા. હાલમાં તેઓ એકનાથ શિંદે સાથે છે. જો કે એ બેઠક માટે ભાજપ અને એનસીપી( અજીત પવાર) બંનેએ આગ્રહ રાખતા કોકડું ગૂંચવાયું છે અને હજુ સુધી નામ જાહેર થઈ શક્યું નથી. હિમાચલ પ્રદેશની મંડીની બેઠક પર ભાજપે કંગના રનૌતનું નામ જાહેર કરી દીધું. એ બેઠક પર ગત ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પ્રતિભા સિંહનો વિજય થયો હતો. જોકે આ વખતે તેઓ ચૂંટણી લડવી કે નહીં તે નક્કી ન કરી શકતા હજુ સુધી કોંગ્રેસ એ બેઠક માટે નામની ઘોષણા કરી શકી નથી. પંજાબમાં આનંદપુર સાહેબ ની બેઠક ઉપર 2019 માં કોંગ્રેસના મનીષ તિવારી વિજયી થયા હતા. તેમણે કોંગ્રેસના મોવડી મંડળ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યા બાદ તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. એ બેઠક માટે પણ કોંગ્રેસ, ભાજપ કે અકાલી દળે ઉમેદવાર નક્કી નથી કર્યા.