શિરડીમાં સાંઇબાબા સમાધી મંદિરમાં દર્શન કરી પૂજા કરશે
ગોવામાં નેશનલ ગેઈમ્સને ખુલ્લી મુકશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી ઓક્ટોબરનાં રોજ મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાતે આવવાના છે. વડા પ્રધાન મોદી બપોરે એક વાગ્યાની આસપાસ અહેમદનગર આવેલ શિર્ડીના શ્રી સાંઇબાબા સમાધી મંદિરમાં દર્શન લઇને પૂજા કરશે. વડા પ્રધાનના હસ્તે મંદિરમાં દર્શનની નવી હરોળ સંકુલનું ઉદઘાટન પણ કરવામાં આવનાર છે.
તેઓ લગભગ બે વાગ્યાની આસપાસ વડા પ્રધાન નિળવંડે ડેમનું જલ પૂજન કરીને તે રાષ્ટ્રને સમર્પીત કરશે. ત્યાર બાદ સવા ત્રણ વાગ્યાની આસપાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિર્ડીમાં એક સાર્વજનિક સભા ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ આરોગ્ય, રેલ, રસ્તા, તેલ અને વાયુ જેવા વિવિધ ક્ષેત્રોના લગભગ 7500 કરોડ રુપિયાના વિકાસના કામકાજનું લોકાર્પણ, ભૂમિ પૂજન અને ઉદઘાટન કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જે દર્શન હરોળ સંકુલનું ઉદઘાટન થનાર છે એ એક વિશેષ અને અત્યાધુનિક એવી ભવ્ય ઇમારત છે. અહીં દર્શન કરવા આવેલ ભક્તો માટે આરામદાયક વેઇટિંગ રુમ બાંધવામાં આવ્યું છે.
આ ઇમારતમાં 10 હજારથી વધુ દર્શનાર્થીને સમાવી શકાશે અને અહીં અનેક સુસજ્જ વેઇટિંગ રુમ છે, જેમાં કપડાં બદલવા માટે રુમ્સ, સ્વચ્છાતા ગૃહ, બુકિંગ કાઉન્ટર, પ્રસાદ કાઉન્ટર, માહિતી કેન્દ્ર જેવી સાર્વજનિક સેવાઓ ઉપલબ્ધ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ 2018માં આ સંકુલનો પાયો નાંખવામાં આવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6:30 વાગ્યે ગોવા પહોંચશે, અહીં તેમના હસ્તે 37મી રાષ્ટ્રીય સ્પર્ધાનું ઉદ્ધાટન કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગોવા ખાતે 26મી ઓક્ટોબર 2023ના રોજ મડગાવમાં આવેલ પંડિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે 37માં રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કરશે. અહીં તેઓ આ રમતોત્સવમાં ભાગ લઇ રહેલા રમતવિરોને સંબોધશે.