વડાપ્રધાન મોદીએ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના કર્યા વખાણ
ટવીટ કરીને કરી પ્રસંશા : ગોધરા ટ્રેન અગ્નિકાંડ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા
ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ 2002માં ગોધરામાં ટ્રેનની અંદર લગાડવામાં આવેલી આગ પછીનાં તથ્યો પર આધારિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સોશિયલ મીડિયા પર ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે સારી વાત છે કે આ સત્ય સામે આવી રહ્યું છે. ખોટી વાર્તા મર્યાદિત સમય માટે જ ચાલે છે.
પીએમ મોદીએ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રસંશા કરી છે. તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક યુઝર આલોક ભટ્ટની ટાઈમલાઈન શેર કરતા તેણે લખ્યું, “સારી વાત કરી, સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે જ્યાં સામાન્ય લોકો તેને જોઈ શકે. એક ખોટી વાર્તા માત્ર મર્યાદિત સમય સુધી જ ટકી શકે છે. અંતે, હકીકતો હંમેશા બહાર આવે છે!” ગોધરા ટ્રેન અગ્નિકાંડ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા.
વડાપ્રધાન મોદીએ ‘X’ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં ફિલ્મ અંગે કેટલીક મહત્ત્વની વાતો પણ જણાવી છે. પોસ્ટમાં એ દાવો કરાયો છે કે આ ફિલ્મને શા માટે જોવી જોઈએ. આ અંગે ચાર પોઈન્ટ લખવામાં આવ્યા છે.
પ્રથમ પોઈન્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રયાસ ખાસ કરીને પ્રશંસનીય છે કારણ કે તે આપણા તાજેતરના ઇતિહાસની સૌથી શરમજનક ઘટનાઓ પૈકીની એકના મહત્વપૂર્ણ સત્યને સામે લાવે છે.
બીજા પોઈન્ટમાં કહ્યું કે, ફિલ્મના નિર્માતાઓએ આ મુદ્દાને ખૂબ જ સંવેદનશીલતા અને ગૌરવ સાથે સંભાળ્યો છે.
ત્રીજા પોઈન્ટમાં કહ્યું કે, એક મોટા મુદ્દા પર આપણા બધા માટે આત્મનિરીક્ષણ કરવા યોગ્ય છે કે કેવી રીતે સાબરમતી એક્સપ્રેસના મુસાફરોને સળગાવવાની ઘટનાને એક નિહિત સ્વાર્થી જૂથ દ્વારા રાજકીય રૂપમાં ફેરવવામાં આવી હતી, જેને એક નેતાની છાપ ખરાબ કરવાના સાધન તરીકે જોવામાં આવી. તેમની ઇકોસિસ્ટમ તેમના પોતાના નાના એજન્ડાને સંતોષવા માટે એક પછી એક જુઠ્ઠાણા ફેલાવે છે.
ચોથા પોઈન્ટમાં કહ્યું કે, આખરે 59 નિર્દોષ પીડિતોને પોતાની વાત કહેવાનો મોકો મળ્યો. હા, જેમ તેઓ કહે છે, સત્ય હંમેશા જીતે છે. આ ફિલ્મ ખરેખર તે 59 નિર્દોષ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે યોગ્ય શ્રદ્ધાંજલિ છે જેમને અમે ફેબ્રુઆરીની સવારે ગુમાવ્યા હતા.
તેના નિર્માતાઓ દાવો કરે છે કે આ ફિલ્મ “સત્ય ઘટનાઓથી પ્રેરિત છે.” આ ફિલ્મ એકતા આર કપૂર દ્વારા નિર્મિત છે અને ધીરજ સરના દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના કો-સ્ટાર છે.
ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જે ઘટના આધારિત છે તે ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. ફિલ્મની શરૂઆત સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અકસ્માતથી થાય છે. આ આખી ફિલ્મમાં ટ્રેન અગ્નિકાંડનું સત્ય બહાર લાવવાનો સંઘર્ષ છે. ફિલ્મમાં હિન્દી ભાષાના પત્રકાર સમર કુમાર અને અંગ્રેજી પત્રકાર મનિકા રાજપુરોહિત વચ્ચે એકબીજાને સાચા-ખોટા બતાવવાની સ્પર્ધા ચાલી રહી છે. સમર કુમારનું પાત્ર વિક્રાંત મેસીએ ભજવ્યું છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે બીજી મહિલા પત્રકાર અમૃતા ગિલ (રાશિ ખન્ના) પ્રવેશે છે. તે સમરને ટેકો આપે છે અને આ ઘટનાને દુનિયા સમક્ષ ઉજાગર કરવામાં મદદ કરે છે.