રાજકોટમાં નવી ઝોન ઓફિસ, સ્પોર્ટસ કોમ્પલેક્સ સહિત 208 કરોડના વિકાસ કાર્યોનો વડાપ્રધાને કરાવ્યો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે ત્યારે મંગળવારે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમના હસ્તે રાજકોટના 208.42 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને કોઠારિયામાં નવી ઝોનલ ઓફિસ, પારડી રોડ પર નવું સ્પોર્ટસ કોમ્પલેક્સ સહિતના કામનો પ્રારંભ વડાપ્રધાનના હસ્તે થયો હતો. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મેયર નયનાબેન પેઢડિયા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
જે કામનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમાં 150 ફૂટ રિંગરોડ-2 કે જે સ્માર્ટ સિટીથી કટારિયા ચોક-કાલાવડ રોડ સુધીનો છે તેનું ડેવલપિંગ, વગડ ચોક પાળ રોડ પાસે હાલના સ્લેબ કલ્વર્ટને પહોળો કરવાનું કામ, મુંજકા વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈન નાખવાનું કામ, સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.2,3,7,13,14 અને 17માં ડિઝાઈન રોડ અને સોસાયટીના રોડ-મુખ્ય રસ્તાઓનું ડામર કાર્પેટિંગ અને ડામર રિ-કાર્પેટિંગ, પારડી મેઈન રોડ પર સ્પોર્ટસ કોમ્પલેક્સ, વોર્ડ નં.૫માં નવી વોર્ડ ઓફિસ પાસે આરોગ્ય કેન્દ્ર, વેસ્ટ ઝોનના વિવિધ રસ્તાઓ પર સેન્ટ્રલ લાઈટિંગ સહિતનો સમાવેશ થાય છે
