દિવાળી વેકેશન પૂર્વે જ બીજા સત્રની અને બાકી ફી ની ઉઘરાણી શાળા તરફથી શરૂ કરતા વાલીઓમાં રોષ
એફ.આર.સી. સમક્ષ સૌરાષ્ટ્રની અનેક શાળાઓની ફી વધારાની અરજીઓ પેન્ડિંગ
રાજકોટમાં કેટલીક ખાનગી શાળાઓએ મંજૂરીની અપેક્ષાએ ફી વધારો કરી દીધાની ફરિયાદ
નવેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં દિવાળીનું વેકેશન પડે તે પૂર્વેજ રાજકોટ શહેરની અમુક ખાનગી સ્કૂલો દ્વારા બાકી ફીની ઉઘરાણી શરૂ કરી દીધાની વિગતો બહાર આવી છે. બીજી તરફ તારીખ 3 ઓક્ટોબરથી રાજકોટ સહીત રાજ્યમાં છ માસિક પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. આ પરીક્ષાઓ નવરાત્રી પહેલાજ પૂર્ણ કરી દેવામાં આવશે. સામાન્ય રીતે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત જૂન મહિનાથી થઈ જતી હોય છે. જેને ધ્યાનમાં રાખી વાલીઓ પાસેથી શાળા સંચાલકો દ્વારા ત્રણ મહિના કે છ મહિનાની એડવાન્સ ફી વસુલવામાં આવે છે. પરંતુ દિવાળી વેકેશન પૂર્વે આવી કોઈ બાકી ફી હોય તો તેની ઉઘરાણી શાળા તરફથી શરૂ કરી દેવામાં આવતી હોય છે.
પરંતુ રાજકોટ શહેરની અમુક ચોક્કસ સેલ્ફ ફાયનાન્સ શાળાઓ દ્વારા નવરાત્રીની પૂર્વેજ બીજા શૈક્ષણિક સત્રની એટલે કે દિવાળી વેકેશન બાદના સત્રની ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવતા વાલીઓમાં કચવાટ પ્રસરી ગયો છે. બીજી તરફ રાજકોટ શહેરની કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ફી વધારો એફ.આર.સી. તરફથી મંજુર થયા પહેલાજ અમલ શરૂ કરી દીધો હોવાની ફરિયાદ ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી પહોંચી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટ સહીત સૌરાષ્ટ્રની અનેક ખાનગી શાળાઓની ફી વધારાની અરજીઓ એફ.આર.સી.માં પેન્ડિંગ છે. આમ છતાં કેટલીક શાળાઓ દ્વારા એફ.આર.સી. ની મંજૂરીની અપેક્ષાએ તોતિંગ ફી ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું વાલીવર્તુળોમાંથી જાણવા મળ્યું છે અને જે બાબતને ધ્યાનમાં રાખી વાલીઓએ વિદ્યાર્થી સંગઠનોનો પણ સંપર્ક કરી ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું છે. જયારે કેટલીક ખાનગી શાળાઓએ મન પડે તે રીતે 5 થી 15% જેટલી ફી વધારો અમલમાં મૂકી દીધો છે અને દિવાળી બાદના બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થાય તે પહેલાજ વાલીઓ પાસેથી ફી વસુલ કરવાનો નિર્ણય કરી દીધાનું જાણવા મળ્યું છે.