રશિયાને પડતું મૂકી અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદવા ભારત ઉપર દબાણ : ભારતને ચોતરફથી ઘેરવાની ટ્રમ્પની કુટિલ નીતિ
ભારત સામે અમેરિકાએ ચોતરફથી મોરચો ખોલી દીધો હોય તેમ ટેરિફ ઘટાડવા માટે દબાણ વધાર્યા બાદ હવે તેણે ભારતને રશિયા પાસેથી શસ્ત્રોની ખરીદી બંધ કરી, અમેરિકા પાસેથી ખરીદવા ‘ વિનંતી ‘ કરી છે. અમેરિકાની એ લાગણીને ભારત માન આપે એ નવી દિલ્હી અને વશિંગ્ટન વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે આવશ્યક હોવાનું અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લટનિકે જણાવ્યું હતું.
એક મીડિયા હાઉસની કોન્ક્લેવમાં તેમણે ભારતને રશિયન લશ્કરી સાધનો પરની તેની નિર્ભરતા સમાપ્ત કરવાની અપીલ કરી હતી.લટનિકે કહ્યું, “ભારતે ઐતિહાસિક રીતે રશિયા પાસેથી લશ્કરી સાધનોની મોટી માત્રામાં ખરીદી કરી છે, અને અમને લાગે છે કે તે સમાપ્ત થવાની જરૂર છે.” તેમણે રશિયાના વિકલ્પ રૂપે યુએસ અદ્યતન અમેરિકન રક્ષણ સિસ્ટમો પ્રદાન કરવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.
તેમણે બ્રિક્સ ઉપર પણ નિશાન સાધ્યું હતું.બ્રિક્સ યુએસ અને ભારતના સબંધોને નબળા પાડતું હોવાનું જણાવી તેમણે ઉમેર્યુ,” ભારત બ્રિક્સમાં ‘આઇ’ છે, જે ડોલરને વૈશ્વિક આર્થિક ચલણ તરીકે બદલવા માટે એક વૈકલ્પિક ચલણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રકારની વસ્તુઓ પ્રેમ અને સ્નેહને ઉત્પન્ન નથી કરતી. અમે ઈચ્છીએ છીએ કે તે વસ્તુઓ સમાપ્ત થાય.”
ઉલ્લેખનીય છે કે યુએસ ભારત પર તેની રશિયન શસ્ત્રો પરની નિર્ભરતા ઘટાડવા માટે લાંબા સમયથી દબાણ કરી રહ્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન કોલમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ગયા મહિને પીએમ મોદીની વશિંગ્ટન યાત્રા દરમિયાન તેનું પુનરાવર્તન કર્યું હતું. તેમણે યુએસ ભારતને એફ-35 ફાઇટર જેટ વેચવા માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું.
25 ટકા ટેરિફ લગાવવા મક્કમ
ટેરિફના ફુગાવા પરના પ્રભાવને નકારી કાઢતાં લટનિકે કહ્યું કે ફુગાવો ખાધ ચાલુ રાખવાથી અને ચલણી નોટો છાપ્યે રાખવાથી આવે છે. તેમણે ઉમેર્યું કે ટેરિફને કારણે ભારતમાં ફુગાવો નથી તેથી તે દલીલ નિરર્થક છે.તેમણે અમેરિકામાં ઘર આંગણે ઉત્પાદન વધારવા પર ભાર મૂકતાં કહ્યું કે એ માટે મારે બહારની દુનિયા પર ૨૫ ટકા ટહેરી લગાડવાની જરૂર પડશે તો હું ચોક્કસ લગાડીશ.
ટાંકણે મસ્કે પણ નાક દબાવ્યું ટેસ્લા પર ઝીરો ડ્યુટીની માંગ
એલોન મસ્ક પણ ટેસ્લા ઉપર ઝીરો ડ્યુટીની માંગણી કરી રહ્યા હોય તેવું તેમના તાજા નિવેદન પરથી ફલિત થઈ રહ્યું છે. ભારત હાલમાં વાહનો પર 110 ટકા ડ્યુટી વસૂલી રહ્યું છે. એલોન મસ્કે આ ટેરિફને વિશ્વમાં સૌથી વધારે ગણાવ્યા હતા. નોંધનીય છે કે એલોન મસ્કે વોશિંગ્ટન ખાતે વડાપ્રધાન મોદી અને ભારતીય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.જો કે હજુ સુધી ટેરિફ ઘટાડા અંગે ભારતે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. એ તો બધા જ જાણે છે કે ભારતમાં ઈલેક્ટ્રીક વાહનોના વેચાણ માટે વિશાળ તકો છે અને એલોન મસ્ક ભારતની બજારમાં ટેસ્લાની એન્ટ્રી માટે ઉત્સુક છે.
ટ્રમ્પે જ્યારે ભારત ઉપર ટેરિફ ઘટાડવાનું દબાણ વધાર્યું છે ત્યારે જ મોકાનો ફાયદો લઈ અને મસ્ક ટેસ્લા ઉપરની ડ્યુટી શૂન્ય કરવા માટે દબાણની રણનીતિ અજમાવતા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.