આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બનશે રાજકોટના મહેમાન : રાત્રિરોકાણ બાદ સવારે 10 વાગ્યે સોમનાથ જવા રવાના થશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી તા.10 અને 11ના રોજ સોમનાથ, સાસણ અને દ્વારકાની મુલાકાતે આવી રહયા હોય તેઓ આજે સાંજે ખાસ વિમાન મારફતે સૌપ્રથમ રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવશે. જ્યાં રેડકાર્પેટ સ્વાગત બાદ તેઓ સીધા જ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પહોંચશે. બાદમાં રાષ્ટ્રપતિ રાજકોટમાં રાત્રિરોકાણ કરી આવતીકાલે સવારે ભારતીય વાયુસેનાના હેલીકૉપટર મારફતે સોમનાથ જશે. રાજકોટમાં રાષ્ટ્રપતિના રાત્રિરોકાણને લઈ તંત્રએ ગઈકાલે રિયલ ટાઈમ રિહર્સલ કર્યું હતું.નોંધનીય છે કે, રાષ્ટ્રપતિના ગુજરાત આગમનને લઈ રાજકોટ ખાતે તેમના સ્વાગત માટે સીએમ, રાજ્યપાલ સહિતના મહાનુભાવો હાજરી આપે તેવી પણ શક્યતા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાષ્ટ્ર્પતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓના ગુજરાત પ્રવાસ દરમિયાન આજે સાંજે 5.25 કલાકે ખાસ વિમાન મારફતે વિશાળ કાફલા સાથે રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આગમન બાદ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાત્રિરોકાણ કરશે. બાદમાં રાજકોટથી આવતીકાલે સવારે 10 વાગ્યે ભારતીય વાયુસેનાના હેલીકૉપટર મારફતે તેઓ સોમનાથ જશે. સોમનાથ દર્શન બાદ સાસણ ખાતે સિંહદર્શન કરી સાસણમાં જ રાત્રી રોકાણ કરશે.જો કે, રાજકોટ રોકાણ દરમિયાન તેઓ સર્કિટ હાઉસ ખાતે જ રહેશે. રાજકોટના જાણીતા કોઈપણ સ્થળોએ તેઓની મુલાકાત ન હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો :“પહેલા રુ.60 કરોડ જમા કરાવો પછી વિદેશ યાત્રા પર જાઓ” હાઇકોર્ટનું કડક વલણ : શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાને મોટો ઝટકો
વધુમાં તા.11ના રોજ રાષ્ટ્રપતિ સાસણથી સીધા જ હેલીકૉપટર મારફતે દ્વારકા જશે અને દ્વારકા દર્શન બાદ જામનગર એરપોર્ટ ખાતેથી સીધા જ દિલ્હી જવા રવાના થશે.બીજી તરફ રાષ્ટ્રપતિના ગુજરાત આગમનને પગલે રાજ્યપાલ, સીએમ અને અન્ય મંત્રીમંડળના સભ્યો રાજકોટ એરપોર્ટ ખાતે સ્વાગત માટે આવે તેવી શક્યતા છે. વધુમાં રાજકોટ ખાતે રાષ્ટ્રપતિનું રેડકાર્પેટ સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર સહિતની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગઈકાલે એરપોર્ટ ખાતે રિયલટાઈમ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. નોંધીનીય છે કે, રાષ્ટ્રપતિ સાથે મોટો કાફલો આવી રહ્યો હોય કોનવેમાં 22થી વધુ કારનો કાફલો જોડાનાર હોવાનું જાણવા મળે છે.
