GSTમાં સામાન્ય લોકોને રાહત આપવાની તૈયારી : સસ્તા ભાવે મળશે આ વસ્તુઓ, 12 ટકાનો સ્લેબ થઈ શકે છે રદ
કર વ્યવસ્થાને વધુ સરળ બનાવવાની દિશામાં કેન્દ્ર સરકાર જલ્દી GST કાઉન્સિલની આગામી બેઠકમાં ચાર ટેક્સ સ્લેબ (5%, 12%, 18%, 28%) ઘટાડીને ત્રણ કરવા અંગે ચર્ચા કરી શકે છે. આ માટેના સૂચનો લાંબા સમયથી થઈ રહ્યા છે. 12% ટેક્સ સ્લેબને સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રસ્તાવ છે. જરૂરી વસ્તુઓને 5% સ્લેબમાં ખસેડી શકાય છે. આ પગલાંથી સામાન્ય લોકોને રાહત મળી શકે છે. અનેક ચીજો સસ્તી થઈ શકે છે. આ માટેનો પ્રસ્તાવ બેઠકમાં મૂકી શકાય છે.

નવા ફેરફાર તરીકે બિન-આવશ્યક વસ્તુઓને 18% સ્લેબમાં મૂકી શકાય છે. આ પ્રસ્તાવને GST કાઉન્સિલની બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ બેઠક જૂન-જુલાઈમાં થવાની સંભાવના છે. આ બેઠકમાં કેન્દ્રીય અને રાજ્ય નાણામંત્રીઑ સામેલ થશે. હાલમાં, 12%ના ટેક્સ સ્લેબમાં કન્ડેન્સ્ડ મિલ્ક, ફળોનો રસ, 20 લિટર પીવાના પાણીની બોટલ, વોકી-ટોકી અને કોન્ટેક્ટ લેન્સ વગેરે જેવી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સોસેજ, ફ્રોઝન શાકભાજી, પાસ્તા અને ઘણી પ્રકારની ઘરગથ્થુ વસ્તુઓ પણ આ સ્લેબમાં આવે છે.
આ પણ વાંચો : RBI MPC Meeting : હોમ લોન સસ્તી થશે! RBIએ રેપો રેટમાં કર્યો 0.50%નો ઘટાડો, ફુગાવામાં પણ રાહત મળશે

જો બેઠકમાં 12%ના ટેક્સ સ્લેબને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવે છે, તો તેના હેઠળ આવતી વસ્તુઓ 5%ના સ્લેબમાં શિફ્ટ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ફળોના રસ, નમકીન, મસાલા, પેન્સિલ, છત્રી વગેરે જેવી 5%ના સ્લેબમાં આવતી વસ્તુઓના ભાવ ઘટી શકે છે. તેમજ કાર્પેટ, ડિટર્જન્ટ, કોન્ટેક્ટ લેન્સ, પ્લાસ્ટિકની વસ્તુઓ જેવી 18%ના સ્લેબમાં આવતી વસ્તુઓના ભાવ વધી શકે છે.
પાછલા કેટલાક સમયમાં GST કલેક્શન રૂપિયા 2 લાખ કરોડને પાર રહ્યો છે ત્યારે સરકાર ટેક્સ દરોને સરળ બનાવવા માંગે છે. 12 ટકાના સ્લેબમાં આવતી એવી ચીજો જે સામાન્ય લોકો સાથે જોડાયેલી છે તેને 5 ટકાના સ્લેબમાં રાખવાની ગણતરી છે.