PM મોદીનું ચીનમાં ગ્રાન્ડ વેલકમ : SCO સમિટમાં આપશે હાજરી, જિનપિંગ-પુતિન સાથે મુલાકાત કરશે, વિશ્વની નજર મંડાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસની મુલાકાત બાદ શનિવારે ચીનના તિયાનજિન પહોંચ્યા હતા. અહીં એમનું ગ્રાન્ડ વેલકમ કરાયું હતું. ચીનના વડાપ્રધાન કિયાંગ સ્વાગત માટે એરપોર્ટ પર હાજર રહ્યા હતા . તેઓ રવિવારે તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેશે. અત્યાર સુધીનું સૌથી મોટું શિખર સંમેલન 31 ઓગસ્ટ આજથી 1 સપ્ટેમ્બર સુધી તિયાનજિનમાં યોજાયું છે. આજે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે મહત્વની વાટાઘાટ થવાની છે અને આખા વિશ્વની નજર તેના તરફ મંડાઇ ગઈ છે. ટ્રમ્પના ટેરિફ તોફાન વચ્ચે આ મુલાકાત મહત્વની બની રહેવાની છે. વડાપ્રધાન મોદી એસસીઓ સમિટમાં ભાગ લઈને પોતાંનો મત વ્યક્ત કરશે.

આ સમય દરમિયાન મોદી રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને અન્ય નેતાઓને પણ મળશે. આ વખતે આ શિખર સંમેલન રાજદ્વારી દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. મોદી લગભગ 7 વર્ષ પછી ચીન પહોંચ્યા છે. બંને નેતાઓ સલામતી, વેપાર, ટેકનોલોજી અને આતંકવાદ સહિતના મુદ્દાઓ અંગે તેમજ દ્વિપક્ષીય બાબતો અંગે મંત્રણા કરશે.
શિખર સંમેલન શા માટે મહત્વપૂર્ણ છે?
આ શિખર સંમેલન એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ યુદ્ધ ચાલી રહ્યું છે. દક્ષિણ એશિયા અને એશિયા પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા તણાવ ચાલુ છે અને ટ્રમ્પે વૈશ્વિક વેપાર યુદ્ધ શરૂ કર્યું છે. નિષ્ણાતો માને છે કે અમેરિકા લગભગ દરેક દેશ સાથે તેના સંબંધો બગાડી રહ્યું છે. આવી સ્થિતિમાં, ચીનના રાષ્ટ્રપતિ માટે પોતાને વૈશ્વિક શક્તિ તરીકે સ્થાપિત કરવાનો આ સારો સમય છે.

SCOમાં કોણ કોણ છે સભ્ય દેશ?
2001 માં રચાયેલ SCOમાં હવે 9 સભ્ય દેશો છે – ચીન, રશિયા, ભારત, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને ઈરાન. જો કે બેલારુસ, અફઘાનિસ્તાન અને મંગોલિયા તેના નિરીક્ષક છે. આ પ્લેટફોર્મ એશિયામાં રાજકારણ, સુરક્ષા અને વેપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચો : રાજકોટ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને : રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન સામે ભાજપે કર્યા સૂત્રોચ્ચાર તો કોંગ્રેસે પણ ઠાલવ્યો રોષ
Landed in Tianjin, China. Looking forward to deliberations at the SCO Summit and meeting various world leaders. pic.twitter.com/gBcEYYNMFO
— Narendra Modi (@narendramodi) August 30, 2025
જિનપિંગ 2019માં ભારત આવ્યા હતા
મોદી અને જિનપિંગ છેલ્લે ઓક્ટોબર 2024 માં રશિયાના કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન, બંને વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પણ થઈ હતી. તે જ સમયે, શી જિનપિંગે છેલ્લે 2019 માં ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બંને નેતાઓ તમિલનાડુના મહાબલીપુરમમાં મળ્યા હતા.
