PM મોદીએ બનાવ્યો નવો રેકોર્ડ : 27 દેશોના સર્વોચ્ચ સન્માન મેળવ્યા, વિદેશી સંસદોમા 17 ભાષણ આપી ઇન્દિરા ગાંધી, નહેરુથી નીકળ્યા આગળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તે ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા છે જેમને વિશ્વના 27 દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં જ ઘાના અને બ્રાઝિલે તેમને સૌથી પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કાર આપ્યો છે. એ જ રીતે વડાપ્રધાને વિદેશી સંસદોમાં અત્યાર સુધીમાં 17 ભાષણ આપીને નવો રેકોર્ડ કર્યો છે. વડાપ્રધાન યાત્રા કરીને વતન પાછા ફર્યા છે.

આ બારામાં અત્યાર સુધી ઇન્દિરા ગાંધી અને નહેરુનું નામ હતું પણ હવે મોદી આ બાબતમાં એમનાથી ઘણા આગળ નીકળી ગયા છે. મુસ્લિમ બહુમતી ધરાવતા 8 દેશો દ્વારા પણ વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયા છે.

ઘાના સરકારે વડાપ્રધાન મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’થી સન્માનિત કર્યા છે. આ પુરસ્કાર તેમને વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા અને ભારત-ઘાના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવ્યો હતો.

અગાઉ બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ વડાપ્રધાન મોદીને દેશના સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સાઉદર્ન ક્રોસ’થી સન્માનિત કર્યા હતા. આ સન્માન તેમને ભારત-બ્રાઝિલ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા બદલ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ‘નશીલું રાજકોટ’ : 9 સ્થળેથી ગાંજો, નશાકારક ગોળી, નામ-ઠામ વગરની સિગરેટ પકડાઈ, એક સ્થળેથી 19 ગ્રામ અફિણ કર્યું જપ્ત

વર્ષ 2014 માં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીને ઘણાં દેશો તરફથી સન્માન મળી રહ્યા છે. સાઉદી અરેબિયા, યુએઈ, બહેરીન, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઇન, કુવૈત જેવા ઘણા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોએ પણ તેમને તેમના સર્વોચ્ચ પુરસ્કારોથી સન્માનિત કર્યા છે.


