આ દેશમાં પ્લેટફોર્મ એક્સ પર પ્રતિબંધ…સુપ્રીમ કોર્ટનો આદેશ; એલોન મસ્કને ફટકો
બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે દેશમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ની સેવાઓને સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. ચુકાદાની નકલ અનુસાર, જજ એલેક્ઝાન્ડ્રે ડી મોરેસે આ પગલું ‘X’ના માલિક એલન મસ્ક દ્વારા બ્રાઝિલમાં કંપનીના કાનૂની પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવાનો ઇનકાર કર્યા પછી લીધું હતું.
જસ્ટિસ મોરેસ અને મસ્ક વચ્ચે અભિવ્યક્તિની આઝાદી અને ખોટી માહિતીના પ્રવાહને લઈને શરૂ થયેલી લડાઈ વધુ ઘેરાઈ છે. જસ્ટિસ મોરેસે મસ્કને ચેતવણી આપી હતી કે જો તે બ્રાઝિલમાં કાયદાના પ્રતિનિધિને નિયુક્ત કરવાના તેમના આદેશનું પાલન નહીં કરે તો દેશમાં ‘X’ ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે આદેશનું પાલન કરવા માટે 24 કલાકની સમયમર્યાદા પણ નક્કી કરી હતી. આ મહિનાની શરૂઆતથી કંપની પાસે બ્રાઝિલમાં કોઈ કાનૂની પ્રતિનિધિ નથી.
જસ્ટિસ મોરેસે પોતાના નિર્ણયમાં લખ્યું છે કે, “ મસ્કે બ્રાઝિલની સાર્વભૌમત્વ અને ખાસ કરીને ન્યાયતંત્ર માટે સંપૂર્ણ અનાદર દર્શાવ્યો છે. “આમ તેઓ એવું વર્તે છે કે જાણે તેઓ વાસ્તવમાં ‘સુપરનેશનલ એન્ટિટી’ હોય, જે દરેક દેશના કાયદાઓમાંથી મુક્ત હોય.” આવી એન્ટિટી’ એટલે એવી સંસ્થાઓ કે જેઓ રાષ્ટ્રીય સીમાઓ અને હિતોની બહાર નિર્ણય લેવાની શક્તિ અને પ્રભાવ ધરાવે છે.
જસ્ટિસ મોરેસે કહ્યું કે જ્યાં સુધી કંપની તેમના આદેશનું પાલન ન કરે ત્યાં સુધી બ્રાઝિલમાં ‘X’ની સેવાઓ સ્થગિત રહેશે. તેમણે (વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક) દ્વારા દેશમાં ‘X’ ને એક્સેસ કરવાનો પ્રયાસ કરતા લોકો અને કંપનીઓ પર પ્રતિ દિવસ દંડ ફટકારવાનો આદેશ પણ આપ્યો છે.