સ્માર્ટ મીટર લગાવવામાં PGVCL ઓવર સ્માર્ટ : પ્રીપેડને બદલે પોસ્ટપેઈડ સ્માર્ટ મીટર ધાબડી રહ્યું છે PGVCL
છેલ્લા એક મહિનામાં પીજીવીસીએલે 91764 સ્માર્ટ વીજ મીટર લગાવી દીધા
સ્માર્ટ વીજ મીટરનો રાજ્યમાં વ્યાપક વિરોધ વંટોળ ઉઠયા બાદ ગુજરાત સરકારે આ યોજના થોડો સમય માટે અભેરાઈએ ચડાવ્યા બાદ તાજેતરમાં ઉર્જામંત્રીએ વીજ ગ્રાહકો માટે પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટર ફરજીયાત હોવાનું વિધાનસભામાં જાહેર કર્યું છે. જો કે, રાજ્યની ચારેય વીજ કંપનીઓ વીજ ગ્રાહકોના વિરોધ વચ્ચે પણ પરાણે સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ કરી દીધું છે જેમાં પીજીવીસીએલની કામગીરી નબળી હોય એમડીનો ઠપકો મળતા છેલ્લા એક જ મહિનામાં પીજીવીસીએલ દ્વારા 91000થી વધુ વીજ મીટર લગાવી દીધા છે. જો કે, પીજીવીસીએલ સ્માર્ટ મીટર લગાવવામાં ઓવર સ્માર્ટ બન્યું છે, સરકારે પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટર લગાવવાનું જાહેર કર્યું હોવા છતાં પીજીવીસીએલ હાલમાં ગ્રાહકોને પોસ્ટપેઈડ સ્માર્ટ મીટર ધાબડી વિશ્વાસઘાત કરી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે.
રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર લગાવવામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની ઘણી જ પાછળ રહી જતા ઉર્જા વિભાગમાંથી આવેલ ઠપકાને પગલે હાલમાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ તમામ સર્કલમાં સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે દૈનિક ટાર્ગેટ આપ્યા છે. બીજી તરફ સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે ગ્રાહકો માનતા ન હોવાથી ફિલ્ડના સ્ટાફને રોજે રોજ લમણાઝીકનો સામનો કરવો પડી રહ્યો હોવાનો ગણગણાટ પણ વીજ કર્મચારીઓમાં થઇ રહ્યો છે. છતાં ઉપરી અધિકારીના આદેશ અન્વયે તમામ વીજ કચેરીમાં હાલમાં એક જ મુદ્દાના કાર્યક્રમ રૂપે સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે.
બીજી તરફ ગત તા.10 ફેબ્રુઆરીના રોજ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમીટેડની સમીક્ષા બેઠકમાં 3.18 લાખ સ્માર્ટ મીટર લગાવવાના લક્ષ્યાંક સામે માત્ર 15567 સ્માર્ટ મીટર લાગ્યા હોવાના આંકડા રજૂ થયા હતા.જો કે, ઉર્જા વિભાગના ઠપકા બાદ સમસમી ગયેલા પીજીવીસીએલના અધિકારીઓએ એક મહિનામાં જાદુ કરી નાખ્યો છે અને તાજા આંકડા મુજબ પીજીવીસીએલ દ્વારા હાલમાં તમામ સર્કલમાં કુલ મળી 1,07,331 સ્માર્ટ વીજ મીટર ફિટ કરી દીધા હોવાના આંકડા સામે આવ્યા છે.આમ એક જ મહિનામાં પીજીવીસીએલ દ્વારા 91764 વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર ફિટ કરી દીધા છે.
જો કે, આશ્ચર્યની અને વીજ ગ્રાહકો સાથે ના ઇન્સાફ થઇ રહ્યો હોવાની વાત સામે આવી છે, કેન્દ્ર સરકારે જાહેર કરેલા ગેજેટ મુજબ તેમજ ઉર્જા મંત્રીએ વિધાનસભામાં આપેલા જવાબ મુજબ વીજ ગ્રાહકોને પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટર લગાવવાનું ફરજીયાત ગણાવાયું છે. જો કે, પીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકોને પ્રિપેઈડને બદલે પોસ્ટપેઈડ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે. હાલના વીજ મીટર પણ સ્માર્ટ અને ડિજિટલ જ છે ત્યારે આવા પોસ્ટપેઈડ વીજ મીટર નાખી વીજ કંપની શા માટે ગ્રાહકો અને પોતાના ઉપર બોજ નાખી રહી છે તે પણ મોટો સવાલ છે.
બેથી ત્રણ મહિનાથી પોસ્ટપેઈડ સ્માર્ટ મીટરના બિલ જનરેટ નથી થયા
પીજીવીસીએલ દ્વારા હાલમાં દરેક વીજ ગ્રાહકોની ઈચ્છા હોય કે ન હોય જુના ડિજિટલ મીટરને બદલી હાલમાં સ્માર્ટ પ્રિપેઈડને બદલે પોસ્ટપેઈડ સ્માર્ટ વીજ મીટર લગાવી રહ્યું છે ત્યારે આશ્ચર્યજનક બાબત તો એ સામે આવી છે કે,હાલમાં પીજીવીસીએલ પાસે સ્માર્ટ વીજ મીટરની બિલિંગ સાયકલ માટેનો કોઈ પ્રોગ્રામ જ નથી. જેના કારણે છેલ્લા બે કે ત્રણ મહિના કરતા વધુ સમયથી અનેક વીજ ગ્રાહકોને વીજ બિલ ન મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સંજોગોમાં હવે પ્રિપેઇડ અને પોસ્ટપેઈડ મીટર મામલે મામલો પેચીદો બનવાના સંકેત મળી રહ્યા છે.