છીંદવાડાની જનતાની ઈચ્છા છે કે કમલનાથ ભાજપમાં સામેલ થઈ જાય
કમલનાથના નજીકના નેતા દિપક સક્સેનાએ મીડિયા સામે મોટો સંકેત આપી દીધો
કોંગ્રેસના ટોચના નેતા કમલનાથને લઈને અટકળોની બજાર ગરમ છે ત્યારે એમની ખૂબ જ નિકટના નેતા અને પૂર્વ મંત્રી દિપક સક્સેનાએ મીડિયા સમક્ષ એમ કહી દીધું હતું કે, કમલનાથના મતક્ષેત્ર છીંદવાડાની જનતાની એવી ઈચ્છા છે કે, કમલનાથ ભાજપમાં સામેલ થઈ જાય.
દિપકના આ નિવેદનને મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે. દિપકે કોંગ્રેસ હાઇકમાન્ડ પર એવો આરોપ પણ મૂક્યો હતો કે, કમલનાથની અવગણના કરવામાં આવી રહી હતી. હારનો દોષનો ટોપલો ફક્ત એમના માથે જ ઢોળવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પાર્ટી દ્વારા કમલનાથની અવગણના કરવામાં આવી રહી છે.
દિપકે એમ પણ કહ્યું હતું કે, જનતા કમલનાથને ભાજપમાં સામેલ થવાનો આગ્રહ એટલા માટે કરી રહી છે કે, છીંદવાડાનો વિકાસ થઈ શકે. છેલ્લા 21 વર્ષથી અમે સત્તાની બહાર છીએ અને અહી વિકાસ રોકાય ગયેલો છે. કમલનાથ ભાજપમાં જશે તો સમગ્ર પંથકનો સારો વિકાસ થઈ શકશે. આ પ્રકારના નિવેદનથી રાજકીય પંડિતો એમ માને છે કે, કમલનાથનું ભાજપમાં જવું હવે લગભગ નક્કી છે.