વેરો ભરો નહીંતર મિલકત સીલ-જપ્તી માટે તૈયાર રહો : બાકીદારો પર દિવાળી પછી તૂટી પડશે રાજકોટ મનપા વેરા વિભાગ
૭૫,૦૦૦થી વધુનો મિલકતવેરો બાકી હોય તેવા ૧૦૧૨૬ બાકીદારો પર દિવાળી પછી તૂટી પડશે ટેક્સ બ્રાન્ચ
પહેલાં કોમર્શિયલ બાંધકામનો વારો લેવાશે ત્યારબાદ રહેણાકનો: નળ કનેક્શન કાપી લેવાની ઝુંબેશ પણ સઘન બનાવાશે
નવું નાણાકીય વર્ષ શરૂ થવા આડે હજુ પાંચ મહિના જેટલો સમય બાકી છે પરંતુ મહાપાલિકા દ્વારા છેલ્લી ઘડીએ વેરા વસૂલાતનો ધોકો પછાડવાની જગ્યાએ આગોતરી જ ઉઘરાણી' કરી લેવાની તૈયારી કરી લેવામાં આવી છે.
મહાપાલિકા દ્વારા જાન્યુઆરીથી આક્રમક બનીને વેરા વસૂલાત શરૂ કરવામાં આવતી હોય છે અને ત્યારે
રીઢા’ બાકીદારોની મિલકત જપ્ત અથવા તો સીલ મારી દેવા કે નળ કનેક્શન કાપી લેવામાં આવતા હોય છે. જો કે આ વર્ષે છેલ્લે છેલ્લે જાગવાની જગ્યાએ અત્યારથી જ ઝુંબેશ શરૂ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેરા વસૂલાત શાખા દ્વારા ૭૫,૦૦૦થી વધુનો મિલકતવેરો બાકી હોય તેવા ૧૦૧૨૬ બાકીદારોને નોટિસ ફટકારી દેવામાં આવી છે અને દિવાળી બાદ વેરો ભરપાઈ નહીં કરનારા બાકીદારો પર તૂટી પડવાનું નક્કી કરાયો છે.
વેરા વસૂલાત વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આ ઝુંબેશમાં સૌથી પહેલાં કોમર્શિયલ બાંધકામનો વારો લેવામાં આવશે અને ત્યારબાદ રહેણાક મિલકતોને ઝપટે લેવાશે. આ ઉપરાંત નળ કનેક્શન કાપી લેવાની ઝુંબેશ પણ સઘન બનાવાશે.
મહાપાલિકાના ચોપડે અત્યારે ૫.૪૦ લાખ મિલકતો નોંધાયેલી છે જે પૈકી ૫૦% બાકીદારો એડવાન્સ વેરો ભરપાઈ કરીને વેરા વળતર યોજનાનો લાભ લઈ રહ્યા છે. બીજી બાજુ ૧ ઑક્ટોબરથી બાકી મિલકતવેરા ઉપર વ્યાજ ચડવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત સરકારી મિલકતો પાસેથી પણ અત્યારથી જ ઉઘરાણી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ તેમના દ્વારા સમયસર વેરો ભરપાઈ કરવામાં આવે તેવી શક્યતા ન બરાબર છે તો મોટી કંપનીઓ અને અલગ-અલગ કંપનીના મોબાઈલ ટાવરનો વેરો ઉઘરાવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.