Password : સૌથી ખરાબ પાસવર્ડની યાદી જાહેર, ભારતવાસીઓ આ પાસવર્ડનો કરે છે સૌથી વધુ ઉપયોગમાં
નોર્ડપાસે તાજેતરમાં તેના વાર્ષિક સંશોધન “ટોપ 200 મોસ્ટ કોમન પાસવર્ડ્સ” ની છઠ્ઠી આવૃત્તિ બહાર પાડી, જે 44 દેશોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડ્સની યાદી આપે છે. આ રિપોર્ટ અનુસાર, વિશ્વ અને ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ “123456” છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં આ પાસવર્ડનો ઉપયોગ કરનારા 30,18,050 વપરાશકર્તાઓમાંથી 76,981 ભારતીયો છે. આ ઉપરાંત, વિશ્વમાં બીજો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ “123456789” છે, જે ભારતમાં ચોથા સ્થાને છે.
ઈન્ટરનેટ વપરાશકર્તાઓ પાસે સરેરાશ 168 પાસવર્ડ
આ સંશોધન NordStellar સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવ્યું હતું અને તેના તારણો અનુસાર, વિશ્વના લગભગ અડધા સૌથી સામાન્ય પાસવર્ડ્સ “qwerty”, “1q2w3e4er5t” અને “123456789” જેવા સરળ કીબોર્ડ શોર્ટકટથી બનેલા છે. આવી જ પેટર્ન ભારતમાં પણ જોવા મળી છે. અગાઉના નોર્ડપાસ અભ્યાસ મુજબ, ઈન્ટરનેટ વપરાશકર્તા પાસે વ્યક્તિગત ખાતાઓ માટે સરેરાશ 168 પાસવર્ડ અને કાર્ય સંબંધિત ખાતાઓ માટે 87 પાસવર્ડ હોય છે.
ઘણા બધા પાસવર્ડ્સનું સંચાલન કરવું મુશ્કેલ છે, તેથી મોટાભાગના લોકો સરળ કેચફ્રેઝનો ઉપયોગ કરે છે જે યાદ રાખવામાં સરળ હોય છે, પરંતુ સરળતાથી હેક પણ થઈ શકે છે. તેમને હેક કરવામાં એક સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે.
તેમ છતાં લાખો લોકો હજુ પણ “qwerty123” જેવી સરળ વિવિધતાઓનો ઉપયોગ કરી રહ્યાં છે, જે નેધરલેન્ડ, ફિનલેન્ડ, કેનેડા અને લિથુઆનિયા જેવા દેશોમાં સૌથી સામાન્ય પાસવર્ડ છે. આ પાસવર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ટોપ 10 પાસવર્ડમાં પણ સામેલ છે.
બીજી લોકપ્રિય પસંદગી શબ્દ “પાસવર્ડ” છે. આ શબ્દ છેલ્લા કેટલાક વર્ષોથી સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડની યાદીમાં સામેલ છે અને આ વખતે તે ભારતમાં બીજા નંબરનો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ છે. આ સિવાય તે ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમમાં સૌથી સામાન્ય પસંદગીનો પાસવર્ડ પણ છે.
