ખરાબ હવામાન,બોમ્બની ધમકીથી કેશોદ-મુંબઈ ફલાઈટમાં પેસેન્જરોના જીવ તાળવે ચોટયા
સોરઠમાં ભારે પવન સાથે વરસાદ હોવાથી ફલાઈટનું લેન્ડિંગ ન થતાં મુંબઈ ડાયવર્ટ કરાઈ હતી,એ સમયે ધમકી મળી હતી, બંને એરપોર્ટ તંત્રના શ્વાસ અધ્ધરતાલ થઈ ગયા હતા
એક તરફ ખરાબ હવામાન અને બીજી તરફ ફ્લાઈટમાં હોવાની ધમકી મળતા પેસેન્જર સાથે કેશોદ અને મુંબઈ એરપોર્ટ તંત્રના શ્વાસ અધ્ધરતાલ થઈ ગયા હતા. મુંબઈથી 60થી વધુ પેસેન્જરો અને ક્રૂ મેમ્બરને લઈને કેશોદ તરફ અલાઇન્સ એરલાઇન્સ સાંજે આવી રહી હતી ત્યારે કેશોદ અને સોરઠમાં ભારે પવન સાથે વરસાદ આવી રહ્યો હતો આથી ખરાબ હવામાનના કારણે કેશોદ એટીસી દ્વારા આ ફ્લાઈટનું લેન્ડિંગ શક્ય નહીં બને તેવી પાયલોટની જાણ કર્યા બાદ આ ફ્લાઈટ મુંબઈ તરફ રવાના થઈ હતી.
થોડીવાર સુધી હવામાં ચક્કર માર્યા બાદ ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ શક્ય ન બનતા મુંબઈ તરફ પ્રયાણ કર્યું હતું અને આ જ સમયે ટ્વિટર પર એવા મેસેજ આવ્યા કે મુંબઈ કેશોદની આ ફ્લાઈટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી. આ મેસેજ મળતાની સાથે જ કેશોદ એટીસી વિભાગે મુંબઈ એટીસી વિભાગનો સંપર્ક કરી પાયલોટ ને આ ધમકી મળ્યા અંગેની જાણ કરી હતી.
આ ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરે તે પહેલા જ બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ સહિત સુરક્ષા જવાનોનો કાફલો તેનાત કરી દેવામાં આવ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી ફ્લાઈટમાં બૉમ્બ હોવાની ધમકી ના ખોટા મેસેજ એ દેશભરના મોટાભાગના એરપોર્ટને માથે લીધું છે અત્યાર સુધીમાં 70 થી વધુ ફ્લાઇટને આ પ્રકારે બોમ્બ હોવાના ખોટા મેસેજ મળ્યા છે.