બિહારમાં પેરોલ પર છૂટેલા બાહુબલી નેતાનો જેડીયુના ઉમેદવાર માટે પ્રચાર
ટાંકણેજ પંદર દિવસની પેરોલ મળી ગઈ
પુષ્પ વર્ષા અને ઢોલ નગારા થી ભવ્ય સ્વાગત
રાજકારણમાંથી ગુંડાગીરી અને માફિયાગીરી નાબૂદ કરવાના રૂપાળા વચ્ચેનો વચ્ચે બિહારમાં સોમવારે પેરોલ પર છુટતાંની સાથે જ પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા અનંતકુમાર સિંહ ઉર્ફે છોટે સરકાર જેડીયુના ઉમેદવારના પ્રચારમાં લાગી ગયા હતા.
અનંત કુમાર સિંહ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2020 માં તેઓ આરજેડીના ઉમેદવાર તરીકે વિજયી થયા હતા. ત્યારબાદ આર્મસ એક્ટના એક ગુનામાં દોષિત થયા બાદ તેમને દસ વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી હતી.
દરમિયાન સોમવારે તેમના 15 દિવસના પેરોલ મંજૂર થયા હતા. તેમને આવકારવા માટે પટણા ની સેન્ટ્રલ જેલ બહાર હજારો સમર્થકો એકત્ર થઈ ગયા હતા. અનંત કુમાર સિંહ નું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. બાદમાં ગાડીઓના જંગી કાફલા સાથે તેઓ વાજતે ગાજતે પોતાના ગામ સબનિમા પહોંચ્યા હતા અને ત્યાંથી તેમણે મુંગેર બેઠકના જેડીયુના ઉમેદવાર લાલન સિંઘ માટે ભવ્ય રોડ શો યોજ્યો હતો.