વાલીઓ હવે બાળકો માટે એનપીએસ ખાતું ખોલાવી શકશે
નાણામંત્રીએ નવી એનપીએસ વાત્સલ્ય યોજનાની જાહેરાત કરી
નાણાપ્રધાન નિર્મલા સીતારમણના સતત સાતમા બજેટમાં નેશનલ પેન્શન સ્કીમને લઈને આકર્ષક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં એક તરફ એનપીએસ એકાઉન્ટ પર ટેક્સ ડિડક્શન લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે તો બીજી તરફ એનપીએસ એકાઉન્ટ પણ બાળકોને આપવામાં આવ્યું છે. સીતારમણે બજેટ 2024માં બાળકો માટે નવી પેન્શન યોજના ‘એનપીએસ વાત્સલ્ય યોજના’ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
એમણે કહ્યું કે આ પેન્શન યોજના હેઠળ માતા-પિતા અને રખેવાળ તેમના બાળકોની જગ્યાએ પૈસાનું રોકાણ કરી શકશે. જ્યારે બાળક પુખ્ત બને છે એટલે કે 18 વર્ષની ઉંમર વટાવે છે, ત્યારે તેના એનપીએસ ખાતાને નિયમિત ખાતા (રેગ્યુલર એનપીએસ )માં રૂપાંતરિત કરી શકાશે.
વાત્સલ્ય યોજના શું છે?
હવે તમે વિચારતા હશો કે એનપીએસ વાત્સલ્ય યોજના શું છે? તો તમને જણાવી દઈએ કે વાત્સલ્ય યોજના સરકારી પેન્શન યોજના હેઠળ જાહેર કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની બચતમાં વધારો કરવાનો અને તેમના બાળકના ભવિષ્ય માટે અગાઉથી રકમનું રોકાણ કરવાનો છે. વાત્સલ્ય સ્કીમ બિલકુલ એનપીએસ સ્કીમ જેવી છે, પરંતુ બાળકોનું રોકાણ વધારવા માટે સરકાર 18 વર્ષની ઉંમર પહેલા તેમાં રોકાણ કરવાનો વિકલ્પ આપવાનું લક્ષ્ય રાખે છે.
વાત્સલ્ય યોજના હેઠળ, બાળકના માતા-પિતા અથવા તેમના અન્ય કોઈ પણ વાલી બાળકના નામે ખાતું ખોલાવી શકે છે અને તેમની નિવૃત્તિ બચત માટે નાણાંનું રોકાણ કરી શકે છે.