વાલીઓ ચેતજો! રાજકોટમાં 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી પરિણીત યુવકે વારંવાર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સગીરાઓને ફસાવી દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો હોય વાલીઓએ ચેતવા જેવું છે. આવી એક ચોંકાવનારી ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી જ્યાં એક પરિણીત યુવકે 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના ઉપર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેની 17 વર્ષની પુત્રીને એક યુવક સાથે બાઈક પર બેસીને જઈ રહ્યાનું તેના પિતાના ધ્યાન પર આવી જતાં પતિએ સઘળી હકીકત ઘેર આવીને જણાવી હતી. આ પછી પુત્રીને એ યુવક વિશે પૂછતા તેણે કહ્યું હતું કે તે જ્યાં નોકરી કરે છે ત્યાંની બાજુના જ મકાનમાં વિશાલ મકવાણા નામનો યુવક નોકરી કરે છે જે સોખડા ગામે રહેતો હોવાનું જણાવ્યું હતું. વિશાલ મકવાણા અને સગીરા ત્રણ વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યા હતા અને એકબીજા સાથે નિયમ વૉટસએપ તેમજ ફોન ઉપર વાત કરતા હતા.
વિશાલે સગીરાને તે તેની સાથે લગ્ન કરશે તેવી કસમ ખાધી હતી અને પોતે અપરિણીત હોવાનું પણ કહ્યું હતું. વિશાલ સગીરાને થોડા સમય પહેલાં રાજકોટ જિલ્લાના ખોરાણા ગામે આવેલી વાડીએ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી સોખડા ગામે આવેલી વાડીએ પણ શરીરસંબંધ બાંધ્યો હતો.
દરમિયાન તાજેતરમાં જ સગીરાએ તેના માતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી વિશાલ મકવાણાનું ઈન્સ્ટાગ્રામ આઈડી ચેક કરતા તેમાં તે કોઈ યુવતી સાથે હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેથી વિશાલને આ અંગે પૂછતાં સાથે રહેલી યુવતી તેની પત્ની હોવાનું પરંતુ તેની સાથે છૂટાછેડા લઈ લેશે તેવું કહ્યું હતું. આ પછી સગીરાના માતા-પિતાની ગેરહાજરીમાં વિશાલ મકવાણા સગીરાને ઘેર પહોંચી ગયો હતો અને ત્યાં શરીરસંબંધ બાંધ્યો હતો. સગીરાના માતા-પિતા દ્વારા આ અંગે વિશાલ મકવાણાને બોલાવી પૂછતાં તેણે કહ્યું હતું કે મારા લગ્ન થઈ ગયા છે એટલે હું તમારી દીકરી માટે મારું ઘર થોડું ભાંગું કહીને હાથ ઉંચા કરી દેતા સગીરા ભાંગી પડી હતી અને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
