પંડિત જવાહરલાલ નેહરુનો પહેલો સત્તાવાર બંગલો વેચાયો : દેશનો સૌથી મોંઘો રહેણાંક મિલકતનો સોદો, બનાવ્યો નવો રેકોર્ડ
દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનું પહેલું સત્તાવાર નિવાસસ્થાન હવે વેચાઈ ગયું છે. લુટિયન્સ દિલ્હીનો આ બંગલો લગભગ 3.7 એકરમાં ફેલાયેલો છે. લુટિયન્સ દિલ્હીમાં 17 મોતીલાલ નેહરુ માર્ગ જેને પહેલા યોર્ક રોડ પણ કહેવામાં આવતું હતું. તે રસ્તા પર સ્થિત આ બંગલો 14,973 ચોરસ મીટર (લગભગ 3.7 એકર) માં આવેલો છે. આ બંગલો 1100 કરોડ રૂપિયામાં વેચાયો છે અને આ દેશનો સૌથી મોંઘો રહેણાંક મિલકતનો સોદો છે.
ધ ઇકોનોમિક્સ ટાઈમ્સે સૂત્રોને ટાંકીને કહ્યું છે કે આ બંગલાના માલિકોએ 1,400 કરોડ રૂપિયા માંગ્યા હતા. જોકે ભારતીય પીણા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક મોટા ઉદ્યોગપતિએ લગભગ 1,100 કરોડ રૂપિયામાં સોદો અંતિમ સ્વરૂપ આપ્યો છે.

રાજકુમારી કક્કડ અને બીના રાની આ બંગલાના વર્તમાન માલિક છે. તે બંને રાજસ્થાનના એક રાજવી પરિવારથી સંબંધ ધરાવે છે. અહેવાલ મુજબ એક જાણીતી કાયદાકીય પેઢીએ કાનૂની પ્રક્રિયાના અંતિમ તબક્કાના ભાગ રૂપે જાહેર નોટિસ જારી કરી છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમારા ગ્રાહકો આ મિલકત (પ્લોટ નં. 5, બ્લોક નં. 14, 17, મોતીલાલ નહેરુ માર્ગ) ખરીદવામાં રસ ધરાવે છે. આ મિલકતના વર્તમાન માલિકો રાજકુમારી કક્કડ અને બીના રાની છે. જો કોઈ અન્ય વ્યક્તિનો આ મિલકત પર કોઈ અધિકાર અથવા દાવો હોય, તો તેણે સાત દિવસની અંદર દસ્તાવેજી પુરાવા સાથે અમને જાણ કરવી જોઈએ. નહીં તો એવું માનવામાં આવશે કે આ મિલકત પર કોઈનો કોઈ વિરોધી દાવો નથી.’

14,973 ચોરસ મીટરમાં બનેલી આ વિશાળ મિલકત વેચવા માટે એક વર્ષથી વાતચીત ચાલી રહી હતી. કેસ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેનું સ્થાન, VVIP દરજ્જો અને કદ ધ્યાનમાં લેતા, તે ખૂબ જ મૂલ્યવાન મિલકત છે, પરંતુ કિંમતને કારણે ફક્ત અબજોપતિ ખરીદદારો જ તેમાં રસ દાખવી શકે છે.
આ મિલકત લુટિયન્સ બંગલા ઝોનમાં આવેલી છે, જે બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા 1912 અને 1930 ની વચ્ચે ડિઝાઇન કરવામાં આવી હતી. લગભગ 28 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ વિસ્તારમાં લગભગ 3,000 બંગલા છે, જેમાં મોટાભાગે મંત્રીઓ, ન્યાયાધીશો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ રહે છે. અહીં લગભગ 600 ખાનગી મિલકતો પણ છે, જે ભારતના સૌથી ધનિક લોકો પાસે છે. આ સોદો પૂર્ણ થયા પછી 17 મોતીલાલ નહેરુ માર્ગ પર સ્થિત આ બંગલાએ દેશમાં સૌથી મોંઘી રહેણાંક મિલકત વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે.