પંચમહાલના બાહુબલી નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન
પંચમહાલના દિગ્ગજ નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું દુખદ નિધન થયુ છે. પોતાની મૂછો અને આગવી અદાથી ઓળખાતા પ્રભાતસિંહ ચૌહાણનું ટૂંકી સારવાર બાદ નિધન થયું છે. 83 વર્ષના પ્રભાતસિંહના નિધન બાદ પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
રાજકીય કારકિર્દી પર એક નજર
પ્રભાતસિંહ ચૌહાણનો જન્મ ગોધરામાં થયો હતો. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત મેહલોલ ગામના સરપંચ તરીકે કરી હતી. બાદમાં તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર ચૂંટાયા હતા.
પ્રભાતસિંહે વિધાનસભાની ચૂંટણી વર્ષ 1980 અને 1985માં કાલોલ બેઠક પરથી લડ્યા હતા. જ્યા તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યા અને જીત્યા હતા. જે બાદ 1990માં કોંગ્રેસે તેમને ટિકિટ ન આપતાં તેઓ ભાજપમાં જોડાઇ ગયા હતા. તેમણે ભાજપમાંથી 1995, 1998 અને 2002માં ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ભાજપે તેમને 2007માં પણ ટિકિટ આપી હતી. જેમા તેઓ કોંગ્રેસના સી. કે. રાઉલજી સામે હારી ગયા હતા.
જ્યારે પત્નીને બદલે પુત્રવધૂને મળી હતી ટિકિટ
વર્ષ 2017માં પ્રભાતસિંહનાં પુત્રવધૂ સુમનસિંહ ચૌહાણને ભાજપે કાલોલથી ટિકિટ આપી હતી. આ દરમિયાન તેઓ ઘણાં જ રોષે ભરાયા હતા. તેઓએ એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમનો પુત્ર પ્રવીણસિંહ એક બુટલેગર છે અને તેની પત્નીને ટિકિટ આપવાથી પક્ષને નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, પ્રવીણસિંહ એ પ્રભાતસિંહ અને તેમનાં પ્રથમ પત્ની રમિલાબહેનના પુત્ર છે. તેમની સામે સરકારી આવાસમાં દારૂની હેરફેરના આરોપ હેઠળ કેસ દાખલ થયો હતો.