પનામા કેનાલ : રોચક ઇતિહાસ, જુનો વિવાદ અને ટ્રમ્પની બોલ્ડ યોજના !! વાંચો વિશેષ અહેવાલ
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એવું સૂચન કરીને વૈશ્વિક રાજકીય મંચ ઉપર હળવો ભૂકંપ સર્જ્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ પનામા કેનાલનો કંટ્રોલ લઇ લેશે! ટ્રમ્પે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોને જોડતી નહેર પર વધતા ટેરિફ અને સંભવિત ચાઇનીઝ પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમનું કહેવાનું એવું હતું કે પનામા કેનાલ ઉપરનો કંટ્રોલ અમેરીકાએ જતો કરવા જેવો ન હતો. તેમની ટિપ્પણીઓએ નહેરના ઈતિહાસ અને વૈશ્વિક વેપારમાં તેના કાયમી મહત્વ વિશે ફરી ચર્ચા શરૂ કરી.
પનામા કેનાલનો ઈતિહાસ
82-કિલોમીટર લાંબી એન્જિનિયરિંગ અજાયબી એટલે પનામા કેનાલ. જેનો ઇતિહાસ તેના બાંધકામ જેટલો જ રોચક છે. બે મહાસાગરોને જોડતી નહેરનું સપનું સદીઓ જૂનું હતું, પરંતુ 19મી સદીના અંતમાં બધા પ્રયત્નોને વેગ મળ્યો.
શરૂઆતમાં, ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ ડી લેસેપ્સ, જે સુએઝ કેનાલ બનાવવા માટે જાણીતા હતા, તેમણે 1881માં આ પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું હતું. જો કે, ફ્રેન્ચ ઈજનેરોને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. ઉભી કરાડ ધરાવતો ભૂપ્રદેશ, ઉષ્ણકટિબંધીય વિસ્તારના ઉષ્ણ હવામાનમાં કારીગરોને થતા રોગો – મેલેરિયા અને પીળો તાવ અને સરવાળે વધતા ખર્ચ. 1889 સુધીમાં, પ્રોજેક્ટ પડી ભાંગ્યો, જેમાં 22,000 થી વધુ કામદારોએ લાઈફ-ડેથ જેવી સ્થિતિનો સામનો કર્યો.
1904 માં, યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટની આગેવાની હેઠળ, ફ્રેન્ચ લોકો પાસેથી $40 મિલિયનમાં અધિકારો ખરીદીને અમેરીકા આગળ વધ્યું. અમેરીકા દ્રઢ મનોબળ સાથે આગળ વધ્યું. અમેરિકાએ અદ્યતન ઇજનેરી તકનીકોનો ઉપયોગ કર્યો. મચ્છરજન્ય રોગોને નાબૂદ કર્યા જેણે આની પહેલા કારીગરોને હેરાન કર્યા હતા. આ બધી મહેનતનું પરિણામ એ આવ્યું કે માનવજાતે એક નવી ઈજનેરી સિદ્ધિ હાંસિલ કરી જેના લીધે દરિયાઈ મુસાફરીના માર્ગોમાં શોર્ટકટ મળ્યો.
પનામા કેનાલ સત્તાવાર રીતે 1914 થી ઓપરેટ થવા માંડી હતી. પરંતુ તેના બાંધકામમાં ઘણા વિવાદ થયા હતા. યુ.એસ.એ પનામા કેનાલ ઝોન પર નિયંત્રણના બદલામાં કોલંબિયાથી પનામા દેશને સ્વતંત્રતા મળે તે બાબતે ટેકો આપ્યો. આ નિર્ણય પનામાવાસીઓને ગમ્યો ન હતો.
વીસમી સદીમાં પનામા કેનાલ
20મી સદીના મોટા ભાગ માટે પનામા નહેર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરીકા માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક જગ્યા બની રહી, જે લશ્કરી અને વ્યાપારી શિપિંગ માટે ઇઝી ઍક્સેસ આપતી હતી. હવે કેનાલ પર પનામા દેશની વધતા જતા અધિકારને અવગણી શકાય એમ ન હતી.
1977 માં, યુએસ પ્રમુખ જિમી કાર્ટર અને પનામાના નેતા ઓમર ટોરિજોસે ટોરિજોસ-કાર્ટર સંધિ પર હસ્તાક્ષર કર્યા, જેમાં પનામામાં નહેરના ક્રમશઃ સ્થાનાંતરણની રૂપરેખા આપવામાં આવી. 31 ડિસેમ્બર, 1999ના રોજ, પનામાએ પનામા કેનાલ ઓથોરિટી (PCA) દ્વારા સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું.
ત્યારથી, પનામા કેનાલ પનામેનિયન મેનેજમેન્ટ હેઠળ છે. મોટા જહાજોને સમાવવા માટે 2016ના વિસ્તરણ જેવા મુખ્ય સુધારાઓએ વૈશ્વિક વેપારના પાયાના પથ્થર તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવી છે. આજે, કેનાલ વાર્ષિક 14,000 થી વધુ જહાજોનું સંચાલન કરે છે અને વિશ્વના દરિયાઈ વેપારનો મોટો હિસ્સો આ કેનાલ થકી સંચાલીત થાય છે.
પનામા કેનાલનું મહત્વ
પનામા કેનાલ માત્ર જળમાર્ગ નથી – તે વૈશ્વિક વાણિજ્યની જીવનરેખા ગણાય છે. પનામા નહેર એટલાન્ટિક અને પેસિફિકને જોડતા દક્ષિણ અમેરિકામાં કેપ હોર્નની આસપાસના લાંબા અને જોખમી પ્રવાસમાંથી જહાજોને બચાવે છે. કેનાલના ટ્રાફિકમાં યુએસનો હિસ્સો લગભગ 75% છે, જ્યારે ચીન બીજા નંબરનો સૌથી મોટો વપરાશ કર્તા દેશ છે.
જો કે, કેનાલ સામે હવે નવા પડકારો છે. 2023 માં, ગંભીર દુષ્કાળને કારણે પાણીનું સ્તર ઘટ્યું, વહીવટકર્તાઓને દૈનિક વહાણ પરિવહન ઘટાડવા અને ટોલ વધારવાની ફરજ પડી, જેના કારણે પુરવઠાની શૃંખલામાં વિક્ષેપ પડ્યો. પરિસ્થિતિ સ્થિર થઈ હોવા છતાં, આબોહવા પરિવર્તન વેપારના અતિ મહત્વના સ્થળ માટે એક મોટો ખતરો ઉભો કરે છે.
ટ્રમ્પની ટિપ્પણીઓ
એરિઝોના ભાષણમાં ટ્રમ્પે પનામાના ટેરિફની ટીકા કરી હતી અને કેનાલ પર અમેરીકા ફરીથી દાવો કરશે એવો સંકેત આપ્યો હતો. પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું, “પનામા કેનાલનો દરેક ચોરસ મીટર પનામાનો છે.”
ટ્રમ્પની ટિપ્પણીઓ ગ્રીનલેન્ડ ખરીદવાના તેમના અગાઉના સૂચન જેવી જ લાગે છે. તે ટીપ્પણીની પણ વિશ્વ મીડિયાએ મજાક ઉડાવી હતી. કેનાલ પર ફરીથી દાવો કરવાના ટ્રમ્પના કોઈપણ પગલાને ભારે કાનૂની અને ભૌગોલિક રાજકીય પડકારોનો સામનો કરવો પડશે. પનામા કેનાલ માનવજાતની આવડત અને ઈજનેરી કૌશલ્યનો અજાયબ પુરાવો છે. તેની જાયન્ટ રચનાથી લઈને વૈશ્વિક વેપાર મહાસત્તા તરીકેની મહત્વની સ્થિતિ સુધી, તેની કહાની સ્થિતિસ્થાપકતા, વિવાદ અને અચળ મહત્વ ધરાવે છે.