પાકિસ્તાનની પોલ ખુલી : મુંબઈ હુમલાનાં માસ્ટરમાઇન્ડ લખવીને કર્યો આઝાદ, આખી દુનિયાની આંખોમાં ધૂળ ઝોંકવાની નાપાક હરકત
- ઝકી-ઉર-રહેમાન લખવી પાર્કમાં કસરત કરતો વીડિયો સામે આવ્યો
- કોર્ટે ૧૫ વર્ષની સજા કરેલી છે પણ જેલમાંથી બહાર આવીને છુટ્ટો ફરે છે
ઈસ્લામાબાદ
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના ઓપરેશન કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કસરત કરતો જોઈ શકાય છે. તેણે પોતાના દેખાવમાં પણ ઘણો ફેરફાર કર્યો છે. એવું માનવામાં આવે છે કે સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા દ્વારા આતંકવાદી જાહેર કરાયેલ લખવી પાકિસ્તાનની
જેલમાંથી બહાર છે. દુનિયાની આંખોમાં ધૂળ નાખી તે જેલની બહાર પોતાના દરેક કામ ખુશીથી કરી રહ્યો છે.
લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદી જૂથના સહ-સ્થાપક લખવીને ઑસ્ટિન ટીવીના એક વીડિયોમાં એકદમ ફિટ બતાવવામાં આવ્યો છે. લખવી અને હાફિઝ સઈદ ભારતમાં અનેક આતંકવાદી હુમલાના મુખ્ય ગુનેગાર છે. લખવી એ વ્યક્તિ છે જેણે અજમલ કસાબને ટ્રેનિંગ આપીને મુંબઈમાં હુમલા માટે મોકલ્યો હતો. જેલમાં હોવા છતાં લખવી લાંબા સમયથી ગંભીર પરિણામોથી બચી ગયો છે. હવે ખબર પડી કે તેણે દુનિયા સાથે છેતરપિંડી કરી છે અને જેલમાંથી પણ બહાર આવી ગયો છે.
મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ ઝકી-ઉર-રહેમાન લખવીને 2021માં લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે આતંકવાદી ધિરાણના કેસમાં 15 વર્ષની જેલની સજા ફટકારી હતી. પાકિસ્તાન પર વધી રહેલા આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે લખવીને આ સજા આપવામાં આવી હતી. જેલની સાથે લખવીને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
લખવી કથિત રીતે 2008ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોમાં સામેલ હતો અને તે 26/11ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ છે. 10 બંદૂકધારીઓએ મુંબઈમાં આયોજનબદ્ધ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં જાન-માલનું મોટું નુકસાન થયું હતું. લખવીને 2009માં પાકિસ્તાનમાં નજરકેદ કરવામાં આવ્યો હતો. તે થોડા સમય માટે સમાચારોથી બહાર હતો પરંતુ અહેવાલ છે કે તેણે આતંકવાદી જૂથમાં તેની પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થવાનું એક મોટું કારણ માનવામાં આવે છે.