પાકિસ્તાન જલ્દી PoK ખાલી કરે : વિદેશ મંત્રાલયનું અલ્ટિમેટમ, કાશ્મીર મુદ્દા પર ત્રીજા પક્ષની દખલગીરી અસ્વીકાર્ય
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ સીઝફાયર બાદ હવે ભારત વધુ આકરાં પાણીએ દેખાય છે. મંગળવારે વિદેશ મંત્રાલયે ઔપચારિક નિવેદન આપીને પાકિસ્તાનને ખુલ્લું અલ્ટીમેટમ આપી દીધું હતું કે હવે પાકિસ્તાને જલ્દી પોક ખાલી કરવું પડશે. ભારતની કાશ્મીર નીતિ અંગે પણ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાફ શબ્દોમાં કહી દીધું હતું કે, કાશ્મીર મુદ્દા પર કોઈની પણ મધ્યસ્થતા ભારતને સ્વીકાર્ય નથી. પાકિસ્તાનની દરેક ગોળીનો જવાબ હવે ગોળીથી જ આપવામાં આવશે.
આમ, ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસી જઈને આતંકી હાટડાઓનો નાશ કરીને હવે પાકિસ્તાનને ખુલ્લું અલ્ટિમેટમ આપી દીધું હતું. પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અને પાક. બન્ને દેશો વચ્ચે તમામ મુદ્દાઓનું સમાધાન ફક્ત દ્વિપક્ષીય ધોરણે થશે અને જમ્મુ-કાશ્મીરને લઈને ભારત કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થતા સ્વીકારશે નહીં.
વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર ઘૂસી જઈને જે રીતે અદ્ભૂત સૈન્ય કાર્યવાહી કરી છે તેને જોઈને પાકિસ્તાન ફરી એકવાર વિચારવા માટે મજબૂર બની ગયું છે. પાકિસ્તાનમાં ટોચના આતંકીઓન અડ્ડા ભારતીય સેનાએ ખંઢેર બનાવી દીધા છે. એમણે એમ પણ કહ્યું કે, બન્ને દેશોના ડીજીએમઓ વચ્ચે ૧૦મી મેના રોજ ચર્ચા થઈ હતી પરંતુ પાકિસ્તાનના ડીજીએમઓ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને કાકલુદી કરવામાં આવી હતી અને ત્યારે સીઝફાયર અંગે વાત થઈ હતી. વિદેશ મંત્રાલયને પાકિસ્તાની દૂતાવાસ તરફથી 12:37 વાગ્યે વિનવણી મળી હતી.
વિદેશ મંત્રાલયે ફરીવાર ચેતવણી આપી હતી કે, હવે પાકિસ્તાનની દરેક ગોળીનો જવાબ ગોળીથી જ આપવામાં આવશે. સાથોસાથ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનનું ખંડન કરીને પ્રવક્તાએ કહ્યું હતું કે, ન્યૂક્લિયરના મુદ્દા પર કોઈ બ્લેકમેઈલિંગ ભારત સહન કરશે નહીં.
આમ, ફરીવાર ભારતે સખ્ત વલણ અપનાવીને પાકિસ્તાનને સીધું જ અલ્ટિમેટમ આપી દીધું છે અને જલ્દી પોક ખાલી કરવા જણાવી દીધું છે. પાક. કબજાગ્રસ્ત કાશ્મીર વાસ્તવમાં ભારતીય ભૂમિ છે અને અખંડ કાશ્મીર છે. હવે પાકિસ્તાને પોક ખાલી કરવું જ પડશે. ભારતની આ નીતિમાં ક્યારેય કોઈ ફેરફાર થઈ શકશે નહીં.
