પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવી એર સ્ટ્રાઈક : 15 લોકોના મોત, તાલિબાન ભડક્યું
પાકિસ્તાન અને તાલિબાન શાસિત અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. મંગળવારે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર સતત હવાઈ હુમલા કરીને ખળભળાટ મચાવી દીધો હતો. આ હુમલા અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં થયા હતા, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 15 લોકો માર્યા ગયા હતા. ખામા પ્રેસના અહેવાલ મુજબ, મંગળવારે રાત્રે થયેલા હુમલામાં લમન સહિત અનેક ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સ્થાનિક સૂત્રોનો દાવો છે કે પાકિસ્તાને બોમ્બ ધડાકા માટે જેટનો ઉપયોગ કર્યો હતો.
હવાઈ હુમલા બાદ વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે. મૃતકોમાં એક જ પરિવારના પાંચ લોકોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર હુમલા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. દરમિયાન, તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે પક્તિકા પરના હવાઈ હુમલાનો વળતો જવાબ આપવાનું વચન આપ્યું છે. તાલિબાને કહ્યું છે કે તે પોતાની જમીન અને સાર્વભૌમત્વ બચાવવા માટે કંઈ પણ કરી શકે છે. જૂથે હુમલાની નિંદા કરી અને કહ્યું કે પાકિસ્તાને આ હુમલાઓમાં વઝીરિસ્તાનના શરણાર્થીઓને નિશાન બનાવ્યા હતા. વઝિરિસ્તાન શરણાર્થીઓ એવા લોકો છે જેઓ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં સેનાના હુમલા પછી વિસ્થાપિત થયા હતા.

પાકિસ્તાની સેનાના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે સરહદ નજીક તાલિબાનની જગ્યાઓને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે પાકિસ્તાને સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી નથી. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન અને તાલિબાન સરકાર વચ્ચે સંઘર્ષ શરૂ થતો જોવા મળી રહ્યો છે. તાલિબાનની પ્રાદેશિક પાંખ, પાકિસ્તાની તાલિબાન, જેને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાની સૈન્ય પર વારંવાર હુમલા શરૂ કર્યા છે, જેનાથી પાકિસ્તાન ગુસ્સે થઈ ગયું છે. પાકિસ્તાને તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખ્વારઝમીએ પાકિસ્તાનના દાવાને નકારી કાઢ્યા છે. તેણે કહ્યું છે કે હવાઈ હુમલામાં મોટાભાગના વજીરિસ્તાનના શરણાર્થીઓ માર્યા ગયા છે. ખ્વારેઝ્મીએ કહ્યું કે હુમલામાં ઘણા બાળકો અને અન્ય નાગરિકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.