PAK vs AUS 2nd ODI : દુષ્કાળનો અંત !! પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 28 વર્ષ બાદ ઘર આંગણે હરાવી મેળવી શાનદાર જીત
પાકિસ્તાને શુક્રવારે (8 નવેમ્બર) 3 મેચની ODI શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. ત્રીજી વનડે 9 નવેમ્બરે પર્થમાં રમાશે. પાકિસ્તાનની ટીમે એડિલેડમાં 1996 બાદ પ્રથમ વખત ODI મેચ જીતી છે. તેણે આ સ્ટેડિયમમાં 28 વર્ષ બાદ મેચ જીતી હતી. પાકિસ્તાનની જીતનો હીરો હતો હરિસ રઉફ. તેણે 5 વિકેટ લીધી હતી. એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સેમ અયુબ અને અબ્દુલ્લા શફીકે અડધી સદી ફટકારી હતી, જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 35 ઓવરમાં માત્ર 163 રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાનની ટીમે 26.3 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાન માટે આ જીત ખૂબ જ ખાસ છે કારણ કે તેણે એડિલેડના મેદાન પર ઓસ્ટ્રેલિયાને 28 વર્ષ બાદ હરાવ્યું છે. છેલ્લી વખત પાકિસ્તાને 1996માં એડિલેડમાં રમાયેલી ODIમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
સામ ઐયુબ-હરિસ રઉફે કર્યું શાનદાર પ્રદર્શન
પાકિસ્તાનની ટીમમાં શાનદાર પ્રદર્શન સેમ અયુબ અને હરિસ રઉફ દ્વારા થયું હતું. સૌથી પહેલા હરિસ રઉફે પોતાના ઝડપી બોલથી ઓસ્ટ્રેલિયાના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. આ જમણા હાથના ફાસ્ટ બોલરે જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, એરોન હાર્ડી, ગ્લેન મેક્સવેલ અને પેટ કમિન્સનો શિકાર કર્યો હતો. હરિસ રઉફે ઓસ્ટ્રેલિયા સામે પોતાનું સર્વશ્રેષ્ઠ ODI પ્રદર્શન આપ્યું અને એડિલેડના મેદાન પર કોઈપણ પાકિસ્તાની ફાસ્ટ બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે.
સામ અય્યુબની વિસ્ફોટક શૈલી
હારીસ રઉફના પાયમાલ બાદ સેમ અયુબે ઓસ્ટ્રેલિયામાં તબાહી મચાવી હતી. વિસ્ફોટક શૈલીમાં રમતા આ ડાબા હાથના બેટ્સમેને માત્ર 71 બોલમાં 82 રન બનાવ્યા હતા. સેમ અયુબે પોતાની ઇનિંગમાં 6 સિક્સ અને 5 ફોર ફટકારી હતી. આ ખેલાડીએ સ્ટાર્ક, હેઝલવુડ, પેટ કમિન્સ, ઝમ્પા જેવા બોલરોને છોડ્યા ન હતા. અયુબે અબ્દુલ્લા શફીક સાથે 122 બોલમાં 137 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને મેચમાંથી સંપૂર્ણપણે ખતમ કરી દીધું હતું. સેમ અયુબ બાદ અબ્દુલ્લા શફીકે પણ શાનદાર અડધી સદી ફટકારી હતી. શફીક 64 રન બનાવીને અણનમ રહ્યો, બાબર આઝમે પણ 15 રનની અણનમ ઇનિંગ રમી. છેલ્લી ODI રવિવારે પર્થમાં રમાશે, જે શ્રેણીની વર્ચ્યુઅલ ફાઈનલ બની ગઈ છે.