અમારી આવક-જાવક આટલી’ રહેશેઃ મ્યુ.કમિશનરે રાજકોટના બજેટનો ચિતાર મુખ્યમંત્રીને આપ્યો
સોમવાર સુધીમાં ગમે ત્યારે રાજકોટ મહાપાલિકાનું બજેટ જાહેર થવાનું છે અને તેની તૈયારીમાં આખુંયે તંત્ર વ્યસ્ત જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે રાજકોટ સહિત આઠેય મહાપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રીએ બેઠક બોલાવી હોય રાજકોટના મ્યુ.કમિશનર દ્વારા આખા વર્ષ દરમિયાન મહાપાલિકાની આવક અને જાવક કેટલી રહેશે તેનો ચિતાર મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ઉપરાંત અન્ય આઠ મહાપાલિકાના મેયર-સ્ટે.ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર સાથે બપોરે બે કલાક સુધી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ બેઠક કરી વિવિધ યોજનાકીય ચર્ચા કરી હતી. નવા વર્ષના બજેટમાં કઈ યોજનાઓ જાહેર કરવામાં આવનાર છે અને તેનાથી લોકોને શું ફાયદો થશે તે મુદ્દે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરાઈ હતી. આ ઉપરાંત બજેટમાં જે યોજના જાહેર થવાની છે તેમાં સરકાર તરફથી જોઈતી તમામ મદદ પણ આપવાની બાહેંધરી અપાઈ હતી.
આ પણ વાંચો :અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ: કુવૈતથી નવી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાનું લખાણ ટિશ્યૂ પેપર પરથી મળતા અફડાતફડી
ત્યારબાદ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક કરી હતી અને તે બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજકોટનું બજેટ કેટલુ રહેશે તેની માહિતી પણ આપી હતી. એકંદરે બન્ને બેઠકમાં દરેક પદાધિકારી અને અધિકારીને જે-તે મહાપાલિકાની ફરિયાદનો ઉકેલ સ્થાનિક સ્તરે જ આવી જાય અને તે ફરિયાદ ગાંધીનગર સુધી ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવા તેમજ જે યોજના જાહેર કરવામાં આવે તે વાસ્તવિક રીતે સાકાર થાય તેવી જ જાહેરાત કરવા ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું. સાથે સાથે પદાધિકારીઓને મહાપાલિકાની ચૂંટણી પહેલાં પેન્ડીંગ કામ પૂર્ણ કરવા આદેશ કરાયો હતો.
