Byju’sની મુશ્કેલી વધી : ફોરેન ફંડિંગના નિયમોના ભંગ બદલ આટલા કરોડ ચૂકવવા આદેશ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બાઈજુ સામે કડક કાર્યવાહી
વર્ષ 2011થી 2023 વચ્ચે બાઈજુને 28,000 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું.
એજ્યુકેશનની દુનિયામાં સૌથી મોટા અને જાણીતા સ્ટાર્ટ અપ તરીકે છવાઈ ગયેલી કંપની Byju’s માટે હવે ટકવું મુશ્કેલ બની ગયું છે. Byju’s સામે ફોરન ફંડિંગના નિયમોનો ભંગ કરવાનો આરોપ મૂકાયો છે અને તાત્કાલિક 9000 કરોડ રૂપિયા ચૂકવવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બાઈજુ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. કોવિડ વખતે જ્યારે શાળા-કોલેજો બંધ હતી ત્યારે Byju’s એ આખા દેશમાં પોતાના સ્ટુડન્ટની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાવ્યો હતો. પરંતુ તેના ફંડિંગને લગતા ગોટાળા છે. જોકે, બાઈજુએ કહ્યું છે કે તેને 9000 કરોડ ચૂકવવા માટે હજુ સુધી કોઈ નોટિસ મળી નથી.
ઈડીનું કહેવું છે કે વર્ષ 2011થી 2023 વચ્ચે બાઈજુને 28,000 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. એજ્યુકેશન સેક્ટરના અગ્રણી સ્ટાર્ટઅપ બાઉજુએ આ ગાળામાં વિદેશમાં 9754 કરોડ રૂપિયા પરત મોકલ્યા હતા. આ નાણાં ઓવરસિઝ ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટના નામે મોકલવામાં આવ્યા હતા. આ પ્રક્રિયામાં ફેમાના નિયમોનો ભંગ થયો હોવાનો આરોપ છે. ભારતમાં ફોરેન એક્સચેન્જને લગતા કાયદા બહુ કડક છે અને તેનો ભંગ કરનારી કંપનીઓ સામે સખત કાર્યવાહી થતી હોય છે.
Byju’s એ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેને કોઈ નોટિસ અપાઈ નથી. બાઈજુની પેરન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના વર્ષ 2011માં એન્જિનિયર્સ અને શિક્ષક બાઈજુ રવિન્દ્રન અને તેની પત્ની દિવ્યા ગોકુલનાથ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઓનલાઈન તૈયારી કરાવતા હતા.
ત્યાર પછી વર્ષ 2015માં કંપનીએ બાઈજુ એપ લોન્ચ કર્યું જેના કારણે તેનો જોરદાર ગ્રોથ થયો. બે વર્ષ પછી તેમણે બાળકો માટે એક ગણિતની એપ લોન્ચ કરી. વર્ષ 2018 સુધીમાં બાઈજુના યુઝર્સની સંખ્યા વધીને 1.50 કરોડને પાર કરી ગઈ હતી. આજે નાના શહેરો અને ગામડામાં પણ બાઈજુના એપ અથવા મટિરિયલનો ઉપયોગ કરનારા લોકો છે. કોવિડ વખતે શાળાઓ બંધ હતી ત્યારે ડિજિટલ એજ્યુકેશનને ભારે ટેકો મળ્યો હતો પરંતુ તે સાથે બાઈજુની પડતી શરૂ થઈ હતી. વર્ષ 2021માં કંપનીએ જંગી ખોટ નોંધાવતા તેની વેલ્યૂમાં તીવ્ર ઘટાડો થયો. તે જ સમયે એન્ફોર્સમેન્ટ એજન્સીઓની નજર પણ બાઈજુ પર પડી હતી.
બાઈજુની જ્યારે ભારે ડિમાન્ડ હતી ત્યારે તેણે કેટલાક અત્યંત મોંઘા એક્વિઝિશન કર્યા હતા. પરંતુ જ્યારે શાળાઓ ખુલી ગઈ અને બાળકો સ્કૂલ જવા લાગ્યા ત્યારે તેના બિઝનેસમાં તીવ્ર ઘટાડો થયો હતો. હવે Byju’s સામે તેની કામગીરીને લગતા સવાલો પેદા થયા છે.