મમતા સહિતના વિપક્ષી નેતાઓએ સીએએ લાગુ કરવા સામે ઉઠાવ્યો વિરોધ
જયરામ રમેશ, ઓવૈસી અને દિગ્વિજય સિંઘે કેન્દ્રની દાનત પર સવાલ કર્યા
કેન્દ્ર સરકારે સોમવારે ‘નાગરિકતા (સંશોધન અધિનિયમ, 2019’ને લાગુ કરવાથી જોડાયેલા નિયમોની માહિતી જાહેર કરી હતી તેનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી દસ્તાવેજ વગર ભારત આવનારા બિન-મુસ્લિમ પ્રવાસીઓને નાગરિકતા આપવાનો રસ્તો ખુલી ગયો છે. સીએએને લઈને નોટિફિકેશન જાહેર થવા પર કોંગ્રેસ સહિતના કેટલાક પક્ષના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે સીએએને લાગૂ કરવાના સમય અંગે સવાલ ઉઠાવ્યા હતા. મમતા બેનરજીએ અને ઓવૈસીએ તેમજ દિગ્વિજય સિંઘે ટીકા કરી હતી.
કોંગીના જયરામ રમેશે ટ્વીટ પર લખ્યું હતું કે ‘સીએએના નિયમોને નોટિફાઈ કરવા માટે લીધેલો આટલો સમય વડાપ્રધાનના સફેદ ઝૂઠની વધુ એક ઝલક છે. નિયમોની નોટિફિકેશન માટે નવ વખત એક્સટેન્શન માંગ્યા બાદ જાહેરાત કરવા માટે જાણી જોઈને લોકસભા ચૂંટણી પહેલાનો સમય પસંદ કરાયો છે.’
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રતિક્રિયા પણ આવી હતી. . તેમણે કહ્યું કે, જો કોઈની નાગરિકતા રદ્દ થઈ તો તેને સહન નહીં કરવામાં આવે. તમારે 6 મહિના પહેલા નિયમો જાહેર કરવા જોઈતા હતા. જો કોઈ સારી વસ્તુ હોય તો અમે હંમેશા સમર્થન અને વખાણ કરત, પરંતુ જો કંઈપણ એવું કરવામાં આવે છે જે દેશ માટે સારું નથી તો ટીએમસી હંમેશા પોતાનો અવાજ ઉઠાવશે અને તેનો વિરોધ કરશે. મને ખબર પડે છે કે રમઝાન પહેલા આજની તારીખ શા માટે પસંદ કરાઈ. હું લોકોને શાંત રહેવા અને કોઈપણ અફવાથી બચવાની અપીલ કરું છું.