રાજ્યમાં સમાન નાગરિક સંહિતાના અમલ સંદર્ભે યુ.સી.સી.ની સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં સોમવારે જિલ્લા કલેક્ટર કચેરી, રાજકોટ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમિતિના સભ્યો દ્વારા યુ.સી.સી. અંગે સમાજના વિવિધ સમુદાય, વર્ગો ,સામાજિક-ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, પ્રબુદ્ધ નાગરિકો પાસેથી મૌખિક તથા લેખિત પ્રતિભાવો-અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા.
સમાન નાગરિક સંહિતા મામલે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય ડૉ. દક્ષેશ ઠાકરે બેઠકમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં નિવૃત્ત આઈએસઆઈ સી.એલ. મીના, હાઇકોર્ટના વરિષ્ઠ એડવોકેટ આર.સી. કોડેકર, વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. દક્ષેશ ઠાકર તથા સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ સભ્યો તરીકે છે. સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુ.સી.સી. અંગે રજૂઆતો સાંભળીને અભિપ્રાયો મેળવી રહ્યા છે.
આ તકે, સમિતિના સદસ્ય ડો.દક્ષેશ ઠાકરે બેઠકમાં હાજર રહેલા અધિકારીઓ અને પ્રતિનિધિઓને સમાન નાગરિક સહીત વિશે વિગતવાર સમજણ આપી હતી તેમજ તેના વિશે પ્રવર્તતી ગેરસમજ અંગે વિગતવાર વાત કરતા તેમણે ખાસ કહ્યું હતું કે, સમાન નાગરિક સંહિતા કોઈ જ્ઞાતિ કે સમાજના વિશેષ વર્ગને ટાર્ગેટ કરતી નથી. ઉપરાંત તે કોઈ ધર્મ કે સંપ્રદાયના રીતિ-રિવાજને પણ સ્પર્શતી નથી. વર્તમાન સમયમાં લિવ ઈન રિલેશનશિપથી સમાજમાં જે પ્રકારના વિવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, ત્યારે કાયદાથી લિવ ઈન રિલેશનશિપનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેવો એક વિચાર છે.
સમિતિનાં સભ્ય ગીતાબહેન શ્રોફે જણાવ્યું હતું કે, યુ.સી.સી. ભારતીય સંસ્કૃતિ અને તમામ ધર્મોને આદર આપે છે. વિવિધ ધર્મ-સંપ્રદાયમાં જોવા મળતા રીતિ-રિવાજોને પણ યુ.સી.સી. આદર આપે છે. રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર અથવા – સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, પિન- ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે.
આ બેઠકમાં રાજકોટનાં મેયર નયનાબહેન પેઢડિયા તેમજ અન્ય રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ, સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓએ સમાન નાગરિક સંહિતા મામલે પોતાના વિચારો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. જેની સમિતિના સભ્યોએ નોંધ કરી હતી. ઉપરાંત ઉપસ્થિત લોકોએ આ અંગે પોતાના લેખિત અભિપ્રાયો પણ સમિતિને આપ્યા હતા. આ બેઠકમાં રાજકોટ જિલ્લા ક્લેક્ટર પ્રભવ જોશી, શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેકટર એ.કે. ગૌતમ ઉપસ્થિત રહ્યા હતા.
પહેલા જનતાને કાયદાથી માહિતગાર કરો : ડી.ડી.સોલંકી
રાજકોટ કલેકટર કચેરી ખાતે યોજાયેલ યુસીસી કમિટીની બેઠકનો યુવા ભીમસેના સંગઠનના સંસ્થાપક ડી.ડી.સોલંકી સહિતના આગેવાનોએ વિરોધ કર્યો હતો. ડી.ડી. સોલંકીએ જણાવ્યું હતું કે, કાયદો લોકોના હિતો માટે બનાવ્યો હોય તો સર્વપ્રથમ જાહેર જનતા વચ્ચે જઈ આ કાયદાની સમજ તમામ વર્ગના લોકો તમામ ધર્મના લોકોને આપી કાયદાના ફાયદા અને નુકસાન વિશે માહિતગાર કરવા જોઈએ અને તમામ ધર્મ સમાજના સંગઠનોના લોકોને સાથે રાખી આ કાયદાના અમલવારી થાય તે માટે મીટીંગ રાખવી જોઈએ આવી રીતે 50 લોકો ભેગા થઈ ગુપ્ત રીતે મીટીંગ કરતા હોય તો જાહેર જનતાને જે કાયદાથી અજાણ છે એને કેમ ખબર પડે કે આ કાયદો કોના માટે છે ? કાયદો શું છે ? સૌ પ્રથમ તમામ જનતાને આ કાયદાથી માહિતગાર કરી અને ખરેખર આ કાયદો તમામ સમાજ ધર્મ માટે ફાયદાકારક હોય તો જ લાગુ કરવો જોઈએ તેવું અંતમાં જણાવ્યું હતું.