એક તરફી નિયમ બનાવાયો…UGCના નવા નિયમ સામે દેશમાં અનેક સ્થળે વિરોધ: મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જાણો શું છે UGCનો નવો નિયમ?
યુજીસીના નિયમોને લઈને સવર્ણોમાં આક્રોશ સતત વધી રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયામાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે દિલ્હીથી લઈને યુપી સુધી લોકો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે. મંગળવારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના હેડક્વાર્ટર બહાર વિદ્યાર્થીઓ વિરોધ માટે એકત્રિત થયા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ ઠેર ઠેર દેખાવોનું આયોજન કરાયું હતું.સાથે સુપ્રીમ કોર્ટમાં પણ નિયમ સામે અનેક અરજીઓ દાખલ થઈ હતી.
નોંધનીય છે કે દેશભરની યુનિવર્સિટીઓમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ દૂર કરવા માટે સરકારે નવા નિયમ બનાવ્યા હતા. જેને લઈને વિરોધ થઈ રહ્યો છે. સવર્ણ સમાજનું કહેવું છે કે આ નિયમો એકતરફી અને અસ્પષ્ટ છે જેના કારણે તેનો દુરુપયોગ થવાની આશંકા છે.
યુજીસીએ આદેશ આપ્યા છે કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રોકવા માટે SC, ST અને OBCના વિદ્યાર્થીઓ માટે 24/7 હેલ્પલાઈન નંબર, ઈક્વિટી સેન્ટર બનાવવામાં આવશે. આ નિયમનો ખાસ કરીને વિરોધ કરાઇ રહ્યો છે. તેને તત્કાળ પાછો કિહેંચવાની માંગ થઈ રહી છે.
આ પણ વાંચો :શંકરાચાર્ય વિવાદ સરકારી અધિકારીઓના રાજીનામા સુધી પહોંચ્યો: GST ડેપ્યુટી કમિશનર પ્રશાંતકુમાર સિન્હાએ આપ્યું રાજીનામું
નિયમ મુજબ કોલેજોમાં સમાનતા સમિતિ બનાવવામાં આવશે. તેમાં SC, ST, OBC, મહિલા અનિવાર્ય છે પરંતુ જનરલ કેટેગરીના પ્રતિનિધિત્વ માટે કોઈ જોગવાઈ નથી. આ બારામાં સરકાર હવે નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવી રહી છે.
જાણીજોઇને ખોટી ફરિયાદ થઈ શકે; સવર્ણ વર્ગની દલીલ
નવા નિયમ મુજબ, જ્ઞાતિ આધારિત ભેદભાવમાં માત્ર SC, ST અને OBC વર્ગના સભ્યો સામેલ થયેલા ભેદભાવ જ ગણવામાં આવશે. જનરલ કેટેગરી સાથે કોઈ ભેદભાવ થાય તો કોઈ કાયદાકીય રક્ષણ નહીં મળે.જો કોઈ જાણીજોઇને ખોટી ફરિયાદ કરે તેના સામે દંડ કે સજાની કોઈ જોગવાઈ નથી. એવામાં અંગત અદાવત કાઢવા નિર્દોષ વિદ્યાર્થીઓ અથવા પ્રોફેસરોને નિશાનો બનાવાશે.
UGCનો નવો નિયમ શું છે ?
UGCએ 2026 માં નવા નિયમો લાગુ કર્યા, જેનો હેતુ કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારના ભેદભાવને રોકવાનો હતો. આ અંતર્ગત, દરેક સંસ્થા માટે એક સમાનતા સમિતિ અને ફરિયાદ નિવારણ પ્રણાલી સ્થાપિત કરવી ફરજિયાત બનાવવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ ભય વિના ફરિયાદો નોંધાવી શકે. UGC જણાવે છે કે આ નિયમો બધા વિદ્યાર્થીઓ માટે સમાન, સલામત અને આદરપૂર્ણ વાતાવરણ બનાવવા માટે છે, અને દરેક ફરિયાદની તપાસ નિયમો અનુસાર કરવામાં આવશે.
જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ શા માટે વાંધો ઉઠાવે છે?
જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ કહે છે કે નવા UGC નિયમો ચોક્કસ શ્રેણીના વિદ્યાર્થીઓના રક્ષણ પર વધુ ભાર મૂકે છે, જ્યારે બધા વિદ્યાર્થીઓના અધિકારોને સમાન રીતે સ્પષ્ટ કરતા નથી. વિદ્યાર્થીઓ ચિંતિત છે કે નિયમો લાગુ કરવાથી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ પર પૂર્વગ્રહ થઈ શકે છે. તેઓ માને છે કે ભેદભાવ અટકાવવો જરૂરી છે, પરંતુ તે પણ મહત્વપૂર્ણ છે કે દરેક વિદ્યાર્થીને સમાન સુરક્ષા અને ન્યાયી સુનાવણીની ખાતરી આપવામાં આવે, જેથી સંપૂર્ણ તપાસ વિના કોઈની સાથે અન્યાય ન થાય.
