લશ્કર એ તૈયબાના વધુ એક આતંકી ની પાકિસ્તાનમાં હત્યા
ભારત વિરોધી આતંકી નો ભેદી ખાતમો
પાકિસ્તાનમાં રહીને ભારતમાં આતંક ફેલાવવા માટે કાર્યરત આતંકીઓની ભેદી હત્યાઓની શૃંખલામાં વધુ એક નામ ઉમેરાઈ ગયું છે. પાકિસ્તાનના ખાયબર પખતુનવાલા પ્રાંતના બાજીઉર જિલ્લામાં લશ્કર એ તૈયબાના ટોચના ભૂતપૂર્વ કમાન્ડર અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની અજાણ્યા શખ્સોએ શુક્રવારે અંધાધુંધ ગોળીબાર કરી હત્યા કરી નાખી હતી. અકરમ ખાન ભારતમાં અશાંતિ ફેલાવવા માટે પાકિસ્તાનમાં આતંકવાદી યુવાનોની ભરતી કરવાની જવાબદારી સંભાળતો હતો. ભારતમાં થયેલા અનેક આતંકી હુમલાઓ પાછળ તેનો દોરી સંચાર હતો. અંતે શુક્રવારે તેનું કામ તમામ થઈ ગયું હતું. નોંધનીય છે કે એ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં એ જ સંગઠનના ટોચના કમાન્ડર રિયાઝ અહમદ ઉર્ફે અબુ કાસમ ની પણ પીઓકેના રાવલકોટમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. 10 મી ઓક્ટોબરે પઠાણકોટ હુમલાના માસ્ટર માઇન્ડ શાહિદ લતીફને પણ ગુજરાનવાલામાં અજાણ્યા શખ્સોએ પતાવી દીધો હતો. એક પણ ઘટનામાં હજુ સુધી હત્યારા પકડાયા નથી.
ભારત વિરોધી આતંકીઓની હત્યાનો સિલસિલો જારી
સપ્ટેમ્બર મહિનામાં કરાચીમાં લશ્કર એ તૈયબા માટે કામ કરતાં ઝિયાઉર રહેમાન નામના મોલવીની બે શખ્સોએ હત્યા કરી હતી.બાઈક ઉપર આવેલા અજાણ્યા બુકાનીધારીઓએ તેમના શરીર ઉપર ગોળીઓ વરસાવી દીધી હતી.આઈએસઆઈ દ્વારા આતંકવાદી સંગઠનોમાં ભરતી કરાયેલા લોકોની હત્યાનો ભેદી સીલસીલો ચાલુ થયો છે. આ બધા આતંકીઓ ભારતમાં આતંક ફેલાવવા માટે કાર્યરત હતા. આ આતંકીઓની હત્યાઓમાં પણ ગજબનાક સામ્ય હોય છે.બુકાનીધારી ઓ બાઈક ઉપર આવે છે,ગોળીબાર કરે છે અને પછી નિરાંતે ચાલ્યા જાય છે.આ અગાઉ અલબદર મુજાહીદિન સંગઠન સાથે સંકળાયેલા ખાલીદ રઝાની પણ આ જ મોડાસ ઓપરેન્ડી થી હત્યા કરવામાં આવી હતી. એ અગાઉ પહેલી 1લી માર્ચના રોજ ઝાહુર ઇબ્રાહીમ નામના આતંકવાદીને પણ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર મારવામાં આવ્યો હતો. ઝાહુર ઈબ્રાહીમ ભારતના વિમાનનું અપહરણ કરનાર આતંકવાદી ટુકડીનો સભ્ય હતો. આ એક પણ હત્યાઓનો ભેદ આજ સુધી ઉકેલાયો નથી અને પરિણામે તેની પાછળ કોનું પીઠબળ અને કોનો દોરી સંચાર છે તે રહસ્ય વધુ ઘેરું બન્યું છે