ભાજપ, કોંગ્રેસ વચ્ચે કયા મુદ્દે લડાઈ શરૂ થઈ ? વાંચો
લોકસભાની ચૂંટણી વચ્ચે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર પરિષદનો દેશની વસતિ અંગે નવો અહેવાલ સામે આવ્યો હતો. અહેવાલ અનુસાર, 1950થી ભારતમાં હિન્દુઓની વસ્તીમાં લગભગ 8 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ મુસ્લિમોની વસ્તીના ગ્રાફમાં ઝડપી વધારો થયો છે અને હવે ચુંટણી પ્રચાર દરમિયાન આ મુદ્દે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું હતું.
ભાજપનો આરોપ છે કે, ‘આ બધું મુસ્લિમ તુષ્ટિકરણની નીતિઓનું પરિણામ છે.’ જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે બેરોજગારી, ખેડૂતો અને મહિલાઓની સુરક્ષાના મુદ્દા પર વાત થવી જોઈએ. ભાજપના નેતાઓએ ઉગ્ર પ્રતિક્રિયા આપીને કહ્યું છે કે કોંગ્રેસે દેશને ધર્મશાળા બનાવી દીધો છે.
ભાજપના નેતા ગિરિરાજસિંહે એમ કહ્યું હતું કે ભારતને ઈસ્લામિક સ્ટેટ બનાવવાનું કાવતરું છે. કેટલાક લોકો દેશને ભ્રમિત કરવા માંગે છે. જો કે સત્ય છુપું રહેતું નથી. દેશમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ઘૂસી ગયા છે. દેશ ધર્મશાળા બની ગયો છે.
ચુંટણી બાદ સમીક્ષા
એ જ રીતે બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાએ કહ્યું હતું કે ચુંટણી બાદ આ મુદાની સમીક્ષા થશે. જો અહેવાલ મુજબ હિન્દુઓની વસ્તી ઘટી છે તો તે ચિંતાનો વિષય છે. હવે આગળ વધુ તુષ્ટિકરણ થવા દેવાશે નહીં.
પ્રિયંકા ગાંધીએ શું કહ્યું ?
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, ‘આપણે એવા મુદ્દાઓ પર વાત કરવી જોઈએ જે લોકોના જીવન સાથે જોડાયેલા છે. બેરોજગારી, ખેડૂતો, મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર વાત થવી જોઈએ. ભાજપના લોકો પોતાની મેળે મુદ્દાઓ બનાવે છે, તેથી જ તેઓ બોલતા રહે છે. આ મુદ્દાઓ નથી.