રાજ્યસભામાં સોનિયા ગાંધીએ કયા મુદ્દે સરકાર પાસે કરી માંગ ? જુઓ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે સંસદમાં શક્ય તેટલી વહેલી તકે વસતી ગણતરી કરાવવાની માગ ઉઠાવી હતી, જેથી તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટીકૃત લાભો મળી શકે.
રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તેમણે એમ પણ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, વસતી ગણતરીમાં વિલંબના કારણે 14 કરોડ લોકો રેશનથી વંચિત છે.

તેમણે કહ્યું કે યુપીએ સરકાર દ્વારા રજૂ કરાયેલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એક ઐતિહાસિક પહેલ હતી જેનો ઉદ્દેશ્ય 140 કરોડ વસતી માટે ખોરાક અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. આ કાયદાએ કોરોના મહામારીના સંકટ દરમિયાન લાખો સંવેદનશીલ પરિવારોને ભૂખમરાથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, આ સાથે જ આ કાયદાએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો આધાર પણ પૂરો પાડ્યો હતો.
તેમણે આગળ કહ્યું કે, ‘ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગ્રામીણ વસતીના 75% અને શહેરી વસતીના 50% લોકોને સબસિડીવાળા અનાજ મેળવવાનો અધિકાર છે. જોકે, લાભાર્થીઓ માટેના ક્વોટા હજુ પણ 2011ની વસતી ગણતરીના આધારે નક્કી કરવામાં આવે છે, જે હવે એક દાયકા કરતાં વધુ જૂની છે.