લે બોલો !! પાકિસ્તાનમાં ઉદ્ઘાટનના દિવસે આખો મોલ પ્રજાએ લૂંટી લીધો, હાથમાં આવ્યું તે લોકો લઈને ભાગી ગયા, જુઓ વિડીયો
આપણે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ નવી દુકાનનું ઉદ્ઘાટન થાય ત્યારે ત્યાં ભીડ ઉમટી પડે છે અને લોકો વસ્તુ ખરીદવા માટે પડાપડી કરતાં હોય છે ત્યારે પાકિસ્તાનમાં વિરોધાભાસી ઘટના સામે આવી છે જેમાં ઉદ્ઘાટનના દિવસે આખો મોલ પ્રજાએ લૂંટી લીધો હતો. પાકિસ્તાનના કરાચીમાં ડ્રીમ બજાર નામનો નવો શોપિંગ મોલ શરૂ થયો હતો અને આ શોપિંગ મોલમાં ઉદ્ઘાટનના દિવસે જ લૂંટ થઈ હતી.
વાસ્તવમાં, આ મોલના ઉદઘાટનને શાનદાર બનાવવા માટે, બમ્પર ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું હતું, જેમાં ડિસ્કાઉન્ટ સાંભળતા જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને પાકિસ્તાની લોકોએ જોરદાર લૂંટ ચલાવી હતી. 50 પાકિસ્તાની રૂપિયાથી ઓછી કિંમતમાં માલ વેચવાના વચન સાથે શરૂ થયેલો આ મોલ તેના શરૂઆતના દિવસે જ હિંસા અને તોડફોડનો શિકાર બન્યો હતો.
પાકિસ્તાનના પ્રથમ મેગા થ્રીફ્ટ સ્ટોરનો સોશિયલ મીડિયા પર ભારે પ્રચાર કરવામાં આવ્યો હતો અને શરૂઆતના દિવસે કપડાં, એસેસરીઝ અને ઘરના સામાન પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યું હતું. મોલની બહાર હજારો લોકો એકઠા થયા હતા અને ઉદ્ઘાટન સમારોહ નિરર્થક સમાપ્ત થયો હતો.
મોલમાં લૂંટની ઘટનાના વીડિયો વાયરલ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલિટિક્સપીડિયા હેન્ડલ પરથી શેર કરવામાં આવેલા આ વીડિયોમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે વિદેશમાં રહેતા પાકિસ્તાની મૂળના એક બિઝનેસમેને કરાચીના ગુલિસ્તાન-એ-જોહર વિસ્તારમાં એક મોટો મોલ ખોલ્યો છે, જેને તેણે ડ્રીમ બજાર નામ આપ્યું છે. અને આજે ઉદ્ઘાટનના દિવસે તેઓએ વિશેષ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. લગભગ એક લાખ પાકિસ્તાની ગુંડાઓનું ટોળું મોલમાં ધસી આવ્યું અને આખો મોલ લૂંટી લીધો, એક પણ વસ્તુ પાછળ રહી ન હતી.
ARY ન્યૂઝના અહેવાલ મુજબ, જ્યારે તેઓએ મોલમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દરવાજા બંધ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે લોકોએ લાકડીઓ વડે બળજબરીથી એન્ટ્રી ગેટના કાચ તોડી નાખ્યા. આ પછી સ્થિતિ એટલી વિકટ બની ગઈ કે શહેરનો ટ્રાફિક થંભી ગયો અને હજારો લોકો મોલની બહાર ઉભા જોવા મળ્યા. તોડફોડ દરમિયાન લોકોએ કપડાંની ચોરી કરતા લોકોનો વીડિયો પણ બનાવ્યો હતો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ બધું અડધા કલાકમાં જ થયું. બપોરે 3 વાગ્યે દુકાન ખુલી હતી અને 3:30 સુધીમાં તમામ સામાન ચોરાઈ ગયો હતો.