એક તરફ હિંદુઓ પર જુલમ, બીજી તરફ 50 હજાર ટન ચોખા મંગાવ્યા ભારતથી
બાંગ્લાદેશમાં ચોખા ખૂટી જતાં ખીચડીના ફાંફા
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. તેના કટરવાદી તત્વો અને રાજકીય પક્ષો ભારત સામે બથોડા લેવાના હાકલા પડકારા કરતાં રહે છે પરંતુ સાચી વાત એ છે કે બાંગ્લાદેશ પોતાના લોકોના પેટ ભરવા માટે પણ ભારત ઉપર નિર્ભર છે.
બાંગ્લાદેશમાં હસીના સરકારના પતન બાદ સર્જાયેલી અશાંતિ તથા રાજકીય સ્થિરતાને કારણે દેશ ગંભીર આર્થિક અને ખાદ્યાન્ન કટોકટી તરફ ધસી રહ્યો છે.
બાંગ્લાદેશનો ચોખાનો ભંડાર તળિયા ઝાટક થવા લાગતા તેણે ભારતમાંથી 50,000 ટન ચોખા મેળવવાનો કરાર કર્યો છે.
બાંગ્લાદેશમાં આ વર્ષે ભારે પુરે તબાહી સર્જી હતી.
સરકારી અન્નબભંડારોમાં પૂરના પાણી ઘૂસતાં 1.1 લાખ ટન ચોખાનો જથ્થો નાશ પામ્યો હતો. બાંગ્લાદેશમાં લોકો ભોજનમાં સૌથી વધારે ચોખાનો ઉપયોગ કરે છે. બાંગ્લાદેશ સરકાર દ્વારા ફૂડ સિક્યુરિટી કાર્યક્રમ હેઠળ નાગરિકોને 11.17 લાખ ટન ચોખાનું મફત વિતરણ કરાયા બાદ હવે તેના અન્ન ભંડારમાં માત્ર 7.12 ટન ચોખા વધ્યા છે. આ સંજોગોમાં બાંગ્લાદેશ સરકારે ભારતની બગડીયા બ્રધર્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 50 હજાર ટન ચોખા ખરીદવાનો કરાર કર્યો છે. બંને દેશ વચ્ચે વણસતા સંબંધો વચ્ચે પણ બાંગ્લાદેશને એક ટનના 452.67 ડોલર લેખે ડિસ્કાઉન્ટેડ દરથી આ જથ્થો આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં મોંઘવારીએ ભરડો લીધો છે. ફુગાવાનો દર આસમાને પહોંચ્યો છે. તેમાં ખાદ્યાન્ન કટોકટી સર્જાતા આ વર્ષે તેણે 26.25 લાખ ટન અનાજ આયાત કરવું પડશે અને તેને કારણે તેના અર્થતંત્ર પર ગંભીર ફટકો પડવાની સંભાવના છે.