હે ભગવાન !! એક અઠવાડિયામાં 90 કલાક કામ, કોણે આપી આવી સલાહ, સોશિયલ મીડિયામાં ટ્રોલ ; દિપીકાએ આપી પ્રતિક્રિયા
થોડા સમય પહેલા ઈન્ફોસીસનાં નારાયણ મૂર્તિએ અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવાની સલાહ આપ્યા બાદ હવે લાર્સન એન્ડ ટુબ્રોનાં ચેરમેન એસએન સુબ્રમણ્યમને અઠવાડિયામાં ૯૦ કલાક કામ કરવાની સલાહ આપી છે એટલુ જ નહી તેમણે પોતાના કર્મચારીઓને એવું પણ કહ્યું છે કે, રવિવારે તમે ઘરે બેસીને કેટલી વાર સુધી પત્નીનું મોઢુ જોયે રાખશો…એના બદલે રવિવારે પણ ઓફિસે આવીને કામ કરો.
આ નિવેદન બાદ એસએન સુબ્રમણ્યમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. બોલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણે આવા નિવેદન અંગે નારાજગી વ્યકત કરી છે અને કહ્યું છે કે, આવા ઉચ્ચ પદ ઉપર બેઠેલા લોકો આવા વાહિયાત નિવેદનો કરે તે વ્યાજબી નથી. અભિનેતા નકુલ મહેતાએ પણ આવા નિવેદનની ટીકા કરી છે.
કર્મચારીઓના નામ પર એક વીડિયો મેસેજમાં સુબ્રમણ્યને સલાહ આપી છે કે કર્મચારીઓએ અઠવાડીયામાં 90 કલાક કામ કરવું જોઈએ. વીડિયોમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, એલએન્ડટી પોતાના કર્મચારીઓને શનિવારે કામ કેમ કરાવે છે. તો તેના જવાબમાં સુબ્રમણ્યને કહ્યું કે, ઈમાનદારીથી કહું તો મને ખેદ છે કે હું આપની પાસે રવિવારે કામ નથી કરાવી શકતો. જો આપને રવિવારે કામ કરાવી શકું તો મને વધારે ખુશી થશે. કારણ કે હું રવિવારે પણ કામ કરુ છું.
તેમણે આગળ કહ્યું કે, ઘરે રજા લેવાથી કર્મચારીને શું ફાયદો થશે. તમે ઘરે બેસીને શું કરશો? તમે તમારી ઘરવાળીને કેટલો સમય સુધી જોયા કરશો? પત્નીઓ પોતાના પતિને કેટલી વાર સુધી જોયા રાખશે? ઓફિસે જાવ અને કામ કરવાનું શરુ કરો.
એલએંડટી ચીફે એક ચીની સખ્સ સાથે થયેલી વાતચીત લોકો સાથે શેર કરી. સુબ્રમણ્યને આગળ ચીની વ્યક્તિને કહ્યું કે, ચીની લોકો અઠવાડીયામાં 90 કલાક કામ કરે છે, જ્યારે અમેરિકી અઠવાડીયામાં ફક્ત 50 કલાક જ કામ કરે છે.
તેમના નિવેદન પર બિઝનેસથી ળઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ પ્રતિક્રિયા આપતા કંપનીએ તેમના ચેરમેનના નિવેદન પર સ્પષ્ટતા કરવી પડી છે.
એસએન સુબ્રમણ્યમના નિવેદનની નિંદા કરતા બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ જાણીને શોક લાગ્યો કે આટલા ઊંચા હોદ્દા પર બેઠેલા એક સીનિયર આવું નિવેદન આપે છે, મેન્ટલ હેલ્થ મેટર કરે છે.
ચેરમેનનો પગાર 51 કરોડ… તેમના કર્મચારીઓ કરતા 534 ગણો વધુ!
એસએન સુબ્રમણ્યમ, તગડો પગાર મેળવે છે. બિઝનેસ ટુડે પર પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે તેમનો કુલ પગાર ૫૧ કરોડ રૂપિયા હતો અને પાછલા વર્ષની સરખામણીમાં તેમનો પગાર ૪૩.૧૧% વધ્યો છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2024 માટે સુબ્રમણ્યમના પેકેજમાં અન્ય ભથ્થાં અને રકમ ઉપરાંત 3.6 કરોડ રૂપિયાનો મૂળ પગાર અને 35.28 કરોડ રૂપિયાનું કમિશન શામેલ હતું.
ચેરમેનના પગાર અને કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પેકેજમાં કેટલો તફાવત છે. વર્ષ 2023-24માં કર્મચારીઓને આપવામાં આવેલું સરેરાશ પેકેજ 9.55 લાખ રૂપિયા હતું અને આ મુજબ, એસએન સુબ્રમણ્યમનો પગાર એલ એન્ડ ટી કર્મચારીઓના સરેરાશ પગાર કરતા 534.57 ગણો વધુ હતો.
વિવાદ બાદ કંપનીએ કરી સ્પષ્ટતા
એસએન સુબ્રમણ્યન નિવેદન બાદ ટ્રોલ થતા કંપનીએ એક નિવેદન જારી કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્ર નિર્માણ એ અમારા આદેશનો મુખ્ય ભાગ છે, છેલ્લા 8 દાયકાથી વધુ સમયથી અમે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ અને તકનીકી ક્ષમતાઓને આકાર આપવામાં રોકાયેલા છીએ. અમારું માનવું છે કે આ ભારતનો દાયકા છે, એક એવો સમય જેમાં વિકાસને આગળ વધારવા અને વિકસિત રાષ્ટ્ર બનવાના અમારા સહિયારા દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે સામૂહિક સમર્પણ અને પ્રયત્નોની જરૂર છે. અમારા ચેરમેનની ટિપ્પણીઓ આ મોટી મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે, જે ભાર મૂકે છે કે અસાધારણ પરિણામો માટે અસાધારણ પ્રયત્નોની જરૂર છે. L&T માં, અમે એવી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ જ્યાં જુસ્સો, હેતુ અને પ્રદર્શન આપણને આગળ ધપાવે છે.