ઓડિશાની 156 વર્ષ જૂની યુનિ. નું નામ બદલવા કેન્દ્રીય મંત્રી નું સૂચન
હવે ઓડિશામાં પણ’ નામ બદલો ‘ અભિયાન શરૂ?
શિક્ષણ મંત્રીના નિવેદન બાદ ભારે વિવાદના મંડાણ
દેશનો ભૂતકાળ બદલી નાખવાના ભાજપના રાષ્ટ્રવ્યાપી અભિયાનના પગરણ ઓડિશામાં પણ થઇ રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાની 156 વર્ષ જૂની પ્રતિષ્ઠિત રાવેનશો યુનિવર્સિટી નું નામ બદલી કાઢવાનું સૂચન કરતા ભારે વિવાદના મંડળ થયા છે.
ધર્મેન્દ્ર પ્રધાને જે યુનિવર્સિટી નું નામ બદલવાનું સૂચન કર્યું છે તેની સ્થાપના ભારતમાં જ્યારે નિરક્ષરતાએ અજગર ભરડો ઘાલ્યો હતો ત્યારે ઓડિશા જેવા પછાત રાજ્યમાં તત્કાલીન બ્રિટિશ કમિશનર થોમસ એડવર્ડ રાવેનશોના પ્રદાનથી થઈ હતી.
દરમિયાન કટક આવેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે 1866 ના ઓડિશાના ભયંકર દુષ્કાળમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. એ ઘટના રાવેનશો સહિતના બ્રિટિશ વહીવટકર્તાઓની નિષ્ફળતાને કારણે થઈ હતી. તેમણે પૂછ્યું કે રાવેનશો એ દુષ્કાળમાં કર્યું શું હતું? શું ઓડિશાના ઇતિહાસના સૌથી વધુ અંધકારમય સમય સાથે સંકળાયેલી એ વ્યક્તિને સન્માન આપવાનું આપણે ચાલુ રાખવું જોઈએ? તેવો સવાલ કરી તેમણે બૌદ્ધિકોને આ અંગે ચર્ચા કરવાનો અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે 1866ના ભયંકર દુષ્કાળમાં ઓડિશામાં 10 લાખ લોકો ભૂખમરો અને રોગચાળાને કારણે મૃત્યુ પામ્યા હતા. એ ઘટનાને આગળ ધરી ધર્મેન્દ્ર પ્રધાને રાવેનશો યુનિવર્સિટીનું નામ બદલવાનું સૂચન કર્યું હતું.
જો કે તેમના આ નિવેદન બાદ ભારે વિવાદ થતા બેકફૂટ પર આવી ગયેલા ભાજપના સ્થાનિક નેતાઓએ આ નિવેદનથી છેડો ફાડ્યો હતો. ઓડિશાના નાયબ મુખ્યમંત્રી કેવી સિંધદેવ અને શિક્ષણ મંત્રી સૂર્યવંશીએ એ નિવેદનને ધર્મેન્દ્ર પ્રધાનનો વ્યક્તિગત મત ગણાવી હાથ ખંખેરી નાખ્યા હતા. તેમણે કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનને પોતાનો વ્યક્તિગત અભિપ્રાય આપવાની છુટ છે.
ઓડિશાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટી
1841 માં એક નાનકડી સ્કૂલ તરીકે શરૂ થયેલી આ સંસ્થા ઓડિશાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે.1868માં પૂર્ણ કક્ષાની કોલેજ બન્યા બાદ 2006 માં તેને યુનિવર્સિટી નો દરજ્જો પ્રાપ્ત થયો હતો. આજે તેમાં 8000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઓડિશાની પેઢીઓની પેઢીઓ આ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરી અને બહાર આવી છે. ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીજુ પટનાયક, મધુસુદન દાસ અને ગોપબંધુ દાસ સહિતના દિગ્ગજો, સાહિત્યકારો અને શિક્ષણ શાસ્ત્રીઓ આ યુનિવર્સિટીમાં ભણ્યા હતા.
ભાજપને ઇતિહાસનું કાંઈ જ્ઞાન નથી: વિપક્ષો વરસ્યા
ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે ધર્મેન્દ્ર પ્રધાનની માફીની માગણી કરી હતી બીજેડીના પ્રવક્તાએ કહ્યું કે ઓડિશાની અસ્મિતાના નામે ધર્મેન્દ્ર પ્રધાને આપેલું આ નિવેદન દુભાગ્યપૂર્ણ છે.તેમને ઓડિશાના ઇતિહાસની અને શિક્ષણ ક્ષેત્રે રાવેનશોએ આપેલા પ્રદાનની કાંઈ ખબર નથી. કટકના કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોષે કહ્યું કે રાવેનશો સાથે ઓડિશાનું ભાવનાત્મક જોડાણ છે. ભાજપે આવી નિરર્થક વાતો કરવાને બદલે એ યુનિવર્સિટીને વિશ્વ કક્ષાની બનાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.