હવે આ ઉમેદવારો તલાટીની પરીક્ષા નહિ આપી શકે, વાંચો કારણ
તલાટી બનવા માટે તૈયારી કરી રહેલા ઉમેદાવારો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર ધોરણ-12 પાસ કરેલા વિદ્યાર્થીઓ હવેથી તલાટી કમ મંત્રી નહીં બની શકે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી બનવા માટે તમારી પાસે સ્નાતક કક્ષાની લાયકાત હોવી જરુરી છે.
અત્યાર સુધી માત્ર ધોરણ 12 પાસ કર્યુ હોય તેવા ઉમેદવારો પણ તલાટીની પરીક્ષા આપી શકતા હતા. ધોરણ 12 પછી જેમને વધુ અભ્યાસ કરવો ન હોય અને સરકારી નોકરી જોઇતી હોય તે લોકો તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે તૈયારીઓ કરતા હતા. જો કે હવે ઉમેદવારોએ ફરજીયાત સ્નાતક કક્ષા સુધીની ડિગ્રી મેળવવાની રહેશે. જે પછી જ પરીક્ષામાં તેઓ ઉમેદવારી નોંધાવી શકશે.
પંચાયત વિભાગ દ્વારા તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.જેમાં તલાટી બનવા માટે શિક્ષણ લાયકાતમાં કરાયેલા ફેરફાર અંગે જણાવવામાં આવ્યુ છે.
મે મહીનામાં જ લેવામાં આવી હતી તલાટીની પરીક્ષા
આ વર્ષે મે મહીનામાં જ તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. રાજ્યના 2697 કેન્દ્ર પર આ પરીક્ષા યોજાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કેમેરાની બાજ નજર વચ્ચે તલાટીની પરીક્ષા યોજાઇ હતી.આ વર્ષે લેવાયેલી પરીક્ષામાં તમામ ઉમેદવારોની કોલલેટર સાથે વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. આ સિવાય પોલીસ બોડીવોર્ન કેમેરા સાથે ઉપસ્થિત હતા.
કડક સુરક્ષા સાથે લેવાઇ હતી પરીક્ષા
આ પરીક્ષામાં કેન્દ્રમાં પ્રવેશ સાથે થયેલા કોલલેટર સાથેની વિડીયોગ્રાફી જ્યારે એમને નિમણૂકપત્રો આપવામાં આવ્યા ત્યારે પણ ચેક કરવામાં આવ્યા હતા. જેના કારણે જે ઉમેદવાર પરીક્ષા આપવા આવ્યો હતો એ જ નિમણૂક મેળવે છે કે કેમ એની પુષ્ટિ થઈ શકી. આ ઉપરાંત ભૂતકાળમાં જે લોકોના નામ પેપર ગેરરીતિમાં આવી ચુક્યા છે એમની સામે અટકાયતી પગલાં પણ ભરવામાં આવ્યા હતા.