હવે હડતાલી ડોકટરોને કાયદાનું ઇન્જેકશન લાગશે ?
કોલકત્તાની હોસ્પિટલના તબીબો સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કામ પર હાજર થયા નથી
કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલાને લઈને છેલ્લા ઘણા દિવસોથી ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. દરમિયાન, હોસ્પિટલના ડોકટરો સુપ્રીમ કોર્ટની સમયમર્યાદા છતાં કામ પર પાછા ફર્યા નથી. કોલકાતામાં સ્વાસ્થ્ય ભવન પાસે પણ ડોક્ટરોએ મંગળવારે વિરોધ કર્યો હતો. આ દરમિયાન તેણે 5 શરતો મૂકી છે.
સુપ્રીમ કોર્ટે ડોકટરોને મંગળવારે સાંજે 5 વાગ્યા સુધી કામ પર પાછા ફરવાનો આદેશ કર્યો હતો પણ ડોકટરો અડગ રહ્યા હતા અને કામ પર આવ્યા નહતા. હવે એવું લાગે છે કે ડોકટરોને કાયદાનું ઇન્જેકશન લાગશે. કામ પર ચડવાને બદલે ડોક્ટરોએ માર્ચ કાઢી હતી. જો કે પોલીસે એમને અટકાવ્યા હતા.
આરજી કાર મેડિકલ કોલેજના ડોકટરોએ તેમની હડતાળ સમાપ્ત કરવા માટે પાંચ માંગણીઓ રજૂ કરી છે. આ દરમિયાન વિરોધ કરી રહેલા ડોકટરોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની પાંચ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ હડતાળ ચાલુ રાખશે. આ પાંચ માંગણીઓમાં બંગાળના આરોગ્ય સચિવ અને કોલકાતા પોલીસ કમિશનરના રાજીનામાનો પણ સમાવેશ થાય છે.